- કોરોના મહામારી દરમિયાન પણ અમુક કંપનીઓએ મૂડીગત ખર્ચ સ્થગિત કર્યો નથી
- 100 કંપનીઓએ માર્ચ પછીના 6 મહિનામાં 55,890 કરોડ રૂપિયાની એસેટ ઉમેરી છે
- ઘણી કંપનીઓએ પોતાના મૂડીગત ખર્ચ યોજના યથાવત્ રાખી હતી
નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન પણ તમામ કંપનીઓએ પોતાનો મૂડીગત ખર્ચ સ્થગિત કર્યો નથી. એસ એન્ડ પી બીએસઇ 100 કંપનીઓએ માર્ચ પછીના 6 મહિનામાં 55,890 કરોડ રૂપિયાની એસેટ ઉમેરી છે. ડેલોઇટ ઇન્ડિયાના પાર્ટનર મધુસુદન કનકાનીએ જણાવ્યુ હતું કે મહામારી અગાઉના 6 માસની સ્થિતિ જોતા અમને લાગી રહ્યું હતું કે મહત્તમ મોટી કંપનીઓએ રોકડ બચાવવા માટે મૂડીગત ખર્ચને કદાચ ટાળી દીધો હશે. જો કે વાસ્તવમાં ઘણી કંપનીઓએ પોતાના મૂડીગત ખર્ચ યોજના યથાવત્ રાખી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રોપર્ટી, પ્લાન્ટ અને ઉપકરણ ઉપરાંત આ વિશ્લેષણમાં સામેલ એસેટમાં વર્ક ઇન પ્રોગ્રેસ, ડેવલપિંગ ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી, એક્સપ્લોરેશન અને ઇવેલ્યુશન એસેટ, રાઇટ ટૂ યુઝ ઑફ એસેટ્સ અને અન્ય અમૂર્ત એસેટ સામેલ છે. આ સમયગાળા દરમિયાન કુલ અસ્ક્યામતો વધીને 1.8 લાખ કરોડની થઇ હતી.
અસંગઠિત ક્ષેત્રને આંચકો લાગ્યો છે. તેલ અને ગેસ, ધાતુઓ અને ખાણકામ જેવા મજબૂત ક્ષેત્રમાં રૂ. 10,000-10,000 કરોડથી વધુનો વધારો જોવા મળ્યો છે. અન્ય ક્ષેત્રો જેમ કે રીઅલ એસ્ટેટ, બંદરો અને વીજ કંપનીમાં નોંધપાત્ર અવરોધોનો સામનો કરવો પડ્યો છે અને ચોખ્ખા ધોરણે નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી શક્યા નથી.વીજ કંપનીઓના રિસીવેવલ્સમાં 49 ટકાનો વધારો થયો છે.
(સંકેત)