- ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશને ખાંડ ઉત્પાદનનો અંદાજ રજૂ કર્યો
- ચાલુ સુગર સિઝન 2020-21માં 302 લાખ ટન ખાંડના ઉત્પાદનની ધારણા
- ઉત્તરપ્રદેશમાં સીઝન વર્ષ 2020-21માં ખાંડનું ઉત્પાદન લગભગ 105 લાખ ટન રહેવાનો અંદાજ
નવી દિલ્હી: ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશને દેશમાં ખાંડના ઉત્પાદનનો બીજો અગ્રિમ અંદાજ જાહેર કર્યો છે અને તે ગત અંદાજની તુલનાએ ઓછો છે. ISMAના બીજા અગ્રિમ અંદાજ અનુસાર ચાલુ સુગર સીઝન 2020-21માં દેશમાં 302 લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાની ધારણા છે.
ISMA ના મતાનુસાર ઉત્તરપ્રદેશમાં સીઝન વર્ષ 2020-21માં ખાંડનું ઉત્પાદન લગભગ 105 લાખ ટન રહેવાનો અંદાજ છે. આ ઉત્પાદન સીઝન વર્ષ 2019-20માં 126.37 લાખ ટન હતો. રાજ્યમાં શેરડીની ઉત્પાદકતા નબળી રહેવાથી અને ખાંડ રિકવરીનું પ્રમાણ ઓછું રહેવાથી ખાંડનું ઉત્પાદન ઘટશે. રાજ્યમાં 6.74 લાખ ટન ખાંડ ઇથેનોલ ઉત્પાદન માટે વપરાય તેવી સંભાવના છે. જ્યારે ગત વર્ષે 3.70 ખાંડનો વપરાશ ઇથેનોલ માટે થયો હતો. મહારાષ્ટ્રમાં ચાલુ સીઝન 2020-21માં ખાંડનું ઉત્પાદન 105.41 લાખ ટન રહેવાનો અંદાજ છે જ્યારે તે સીઝન વર્ષ 2019-20માં 61.69 લાખ ટન હતુ. રાજ્યમાં શેરડીનું વાવેતર 48 ટકા વધતા અને હવામાન સાનુકુળ રહેવાથી શેરડીનું ઉત્પાદન પ્રોત્સાહક રહ્યુ છે.
ઇસ્માના અંદાજ પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં નવી ખાંડ સીઝનમાં 108.02 લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાની સંભાવના છે જે વર્ષ 2019-20માં 61.68 લાખ ટન હતી. રાજ્યમાં 6.55 લાખ ટન ખાંડ ઇથેનોલના ઉત્પાદન માટે વપરાય તેવી સંભાવના છે.
કર્ણાટકમાં સીઝન વર્ષ 2020-21 માં ખાંડનુ ઉત્પાદન 42.5 લાખ ટન રહેવાનો અંદાજ છે જે વર્ષ 2019-20મા 34.94 લાખ ટન હતુ. રાજ્યમાં 5.41 લાખ ટન ખાંડ ઇથેનોલના ઉત્પાદન માટે વપરાય તેવી સંભાવના છે.
કર્ણાટકમાં પણ મહારાષ્ટ્રની જેમ શેરડીનું વાવેતર વધ્યુ છે. નોંધનિય છે કે, આ ત્રણેય રાજ્યોનો દેશમાં કુલ ઉત્પન્ન થનાર ખાંડમાં યોગદાન લગભગ 93 ટકા રહેવાનો અંદાજ છે.
ઇસ્માના બીજા અગ્રીમ અંદાજ મુજબ તમિલાનડુ, ગુજરાત, આંધ્રપ્રદેશ-તેલંગાણા, બિહાર, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, ઓરિસ્સા તેમજ ઉત્તરાખંડમાં ખાંડનું ઉત્પાદન ચાલુ વર્ષે 49.35 લાખ ટન રહેવાનો અંદાજ છે.
(સંકેત)