પીએમ મોદી સંસદના બજેટ સત્ર માટે સરકારના કાયદાકીય એજન્ડાને રજૂ કરવા આજે સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરશે
- પીએમ મોદી સર્વપક્ષીય બેઠકની કરશે અધ્યક્ષતા
- વિપક્ષ દળ ઉઠાવી શકે છે ખેડૂતોનો મુદ્દો
- રાષ્ટ્રપતિના સંબોધનથી શરૂ થયું હતું બજેટ સત્ર
દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદના બજેટ સત્ર માટે સરકારના કાયદાકીય એજન્ડાને રજૂ કરવા આજે સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરશે. આ વખતે સત્રની શરૂઆત બાદ આ પરંપરાગત સર્વપક્ષીય બેઠક યોજાઈ રહી છે. વિપક્ષ નવા કૃષિ કાયદાઓનો મુદ્દો ઉઠાવી શકે છે.
શુક્રવારે સંસદના બજેટ સત્રની શરૂઆત બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનથી થઈ હતી. સામાન્ય રીતે, આવી બધી બેઠકો સંસદના સત્ર પહેલા લેવામાં આવે છે, જેથી બંને ગૃહોની કાર્યવાહી સરળતાથી થઈ શકે.
આ વર્ચુઅલ મીટિંગ દરમિયાન સર્વપક્ષીય વિપક્ષી દળ ખેડૂત આંદોલન પર ચર્ચાની માંગ કરી શકે છે. જો કે,શુક્રવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષી દળોએ ખેડૂત આંદોલન પર ચર્ચા કરવાની માંગ કરી હતી, પરંતુ સરકારે સૂચવ્યું હતું કે, ખેડૂત આંદોલનનો મુદ્દો રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ઉઠાવવામાં આવી શકે છે. જેના માટે લોકસભામાં બે, ત્રણ અને ચાર ફેબ્રુઆરીના 10 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે.
છેલ્લા બે મહિનાથી વિરોધ કરી રહેલા ખેડૂતો દિલ્હીની જુદી-જુદી સીમાઓ પર કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગ કરી રહ્યા છે. પ્રથમ તબક્કામાં 29 જાન્યુઆરી 2021 થી 15 ફેબ્રુઆરી 2021 અને બીજા તબક્કામાં 8 માર્ચ 2021થી 8 એપ્રિલ 2021 સુધી બજેટ સત્ર ચાલશે.
-દેવાંશી