સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઃ ભાજપ 60 વર્ષથી વધુની ઉંમરના નેતાઓને નહીં આપે ટિકીટ
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દરમમિયાન ભાજપ દ્વારા 60 વર્ષથી વધુની ઉંમરના નેતાને ચૂંટણીમાં ટિકીટ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં ભાજપના નેતા-આગેવાનોના સગાઓને પણ ટિકીટ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વાર ઉમેદવારોની પસંદગી માટે સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવાનોને ટિકીટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, 60 વર્ષથી ઉપરના વ્યક્તિને ભાજપની ટિકિટ આપવામાં આવશે નહીં. એટલું જ નહીં 3 ટર્મથી વધુ વાર ચૂંટાયા હશે તે લોકોને પણ ભાજપ ટિકિટ નહીં આપવામાં આવે. આ ઉપરાંત હોદ્દેદારો અને આગેવાનોના કોઈપણ સગાને ટિકીટ નહીં આપવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપની સેન્સની પ્રક્રિયામાં મોટી સંખ્યામાં નેતાઓએ દાવેદારી કરી હતી. તેમજ અનેક સિનિયર નેતાઓએ પોતાના સંબંધી માટે ટિકીટની માંગણી કરી હતી. જો કે, ભાજપ દ્વારા નિર્ણય લેવાતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. ભાજપ જીતી શકે તેવા નેતાઓની પસંદગી કરે તેવી શકયતા છે.