- UAEમાં કામ કરતા લાખો ભારતીય વર્કિગ પ્રોફેશનલ્સ માટે સારા સમાચાર
- હવે પ્રોફેશનલ વિદેશની નાગરિકોને પણ UAEની નાગરિકતા મળશે
- કોવિડ-19 મહામારી વચ્ચે અર્થતંત્રને વેગ આપવા લેવાયું આ પગલું
દુબઇ: UAEમાં કામ કરતા લાખો ભારતીય વર્કિંગ પ્રોફેશનલ્સ માટે સારા સમાચાર છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)એ જાહેરાત કરી છે કે તે પ્રોફેશનલ વિદેશી નાગરિકોને તેની નાગરિકતા આપશે. કોવિડ-19 મહામારી વચ્ચે અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. અહીંયા મહત્વપૂર્ણ બાબત એ છે કે, અહીંના કામદારોને જ નહીં, પરંતુ તેમના પરિવારોને પણ નાગરિકત્વ આપવામાં આવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દુબઇના શાસક, વડા પ્રધાન અને દેશના ઉપરાષ્ટ્રપતિ, શેખ મોહમ્મદ બિન અલ મકખ્તુમે જાહેરાત કરી છે કે, કલાકારો, લેખકો, ડોક્ટરો, ઇજનેરો અને વૈજ્ઞાનિકો તેમજ તેમના પરિવારો નાગરિકત્વ માટે અરજી કરી શકે છે. તેઓ UAEના નાગરિક બન્યા બાદ પણ તેમની જૂની નાગરિકતા પણ જાળવી શકે છે.
જો કે, બીજી તરફ એ સ્પષ્ટ નથી થયું કે નાગરિકત્વ પ્રાપ્ત કરનારા વિદેશી નાગરિકોને પણ મૂળ નાગરિકો જેવા જ અધિકારો આપવામાં આવશે કે કેમ. હજુ સુધી, અહીં કામ કરતા વિદેશી લોકોને નોકરી તેમજ કામ દરમિયાન જ વર્ક વિઝા મળે છે જે રિન્યૂ થઇ જાય છે. જો કે, તાજેતરના વર્ષોમાં, વિઝા નિયમો હળવા કરવામાં આવ્યા છે જેના કારણે ખાસ કરીને રોકાણકારો, વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેશનલ પોતાના કાર્ય માટે ત્યાં વધુ સમય માટે રહી શકે છે.
(સંકેત)