- વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વેના બાંધકામમાં એક સાથે બે વિશ્વ વિક્રમ
- માત્ર 24 કલાકમાં બે કિમીના ક્રોંકિટ રોડનું નિર્માણ કરવામાં આવ્યું
- આ બન્ને રોડના નિર્માણ પાછળ 3 કરોડ રૂપિયાનો ખર્ચ થયો
વડોદરા: દેશના સૌથી લાંબા અને સૌથી પહોળા 8 લેનના દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વેના ભાગરૂપે તૈયાર થઇ રહેલા વડોદરા મુંબઇ એક્સપ્રેસ વેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ રોડના નિર્માણ માટે વડોદરા તેમજ ભરૂચ સેક્શનમાં તાજેતરમાં માત્ર 24 કલાકમાં બે કિમીના ક્રોંકિટ રોડનું નિર્માણ કરીને બે વિશ્વ રેકોર્ડ નોંધવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, 2 કિમી લાંબો 18.75 મીટર પહોળો રસ્તો બનાવવા 24 કલાકમાં 1.10 લાખ સિમેન્ટની થેલી, 500 ટન બરફ વપરાયો અને 3 કરોડનો ખર્ચ થયો.
આ અંગેની વિગત મુજબ વડોદરાના પશ્ચિમ વિસ્તારમાંથી 8 લેનનો મુંબઈ વડોદરા એક્સ્પ્રેસ વેનું કામ ચાલી રહ્યું છે. આ હાઈવે પ્રથમ તબક્કામાં બનશે અને ત્યારબાદ વડોદરાથી દિલ્હી વચ્ચેનો હાઈવે બીજા તબક્કામાં બનશે. વડોદરા મુંબઈ વચ્ચે બનતો આ એક્સ્પ્રેસ વે કોંક્રિટનો હશે જેને લેઈને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પૂરજોશમાં બાંધકામ ચાલી રહ્યું છે. આ એક્સ્પ્રેસ વે પર પ્રતિ કલાક 120થી 150 કિમીની ઝડપે વાહન હંકારી શકાશે.
આ દરમિયાન 1 ફેબ્રુઆરી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા માટે એક માઈલસ્ટોન દિવસ બની ગયો હતો. જ્યારે NAHIએ બે બે વર્લ્ડ રેકોર્ડ બનાવવ્યા હતા. જેમાં પહેલો રેકોર્ડ 12 હજાર સિમેન્ટ કોન્ક્રિટના ઉત્પાદન સાથે ખૂબ જ ઓછા સમય એટલે કે માત્ર 24 કલાકમાં એક ફૂટ જાડા અને 18.75 મીટર પહોળા રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
જ્યારે બીજો રેકોર્ડ 24 કલાકમાં બનેલા આ રોડમાં 1.10 લાખ સિમેન્ટ બેગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે સામાન્ય રીતે સિમેન્ટ રોડ બનાવતી વખતે બ્લોક વાઇઝ જોઇન્ટ પાડવામાં આવતા હોય છે જોકે આ રોડમાં કોઈપણ જોઈન્ટ રાખવામાં આવ્યો નહોતો. આ બંને રેકોર્ડને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે.
(સંકેત)