4 ફેબ્રુઆરીએ શ્રીલંકાની આઝાદીના 73 વર્ષ, પીએમ મોદીએ વડાપ્રધાન રાજપક્ષેને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી
- 4 ફેબ્રુઆરીએ શ્રીલંકાની આઝાદીના 73 વર્ષ
- પીએમએ શ્રીલંકાના વડાપ્રધાનને આપી શુભેચ્છા
- કોરોના સંકટમાં પણ આપ્યો સહયોગ
- ભારતથી 6 મહિના બાદ આઝાદ થયું શ્રીલંકા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના તેમના 73માં સ્વતંત્રતા દિન પર શ્રીલંકાના સમકક્ષ મહિંદા રાજપક્ષેને અભિનંદન આપ્યા છે. પાડોશી દેશ શ્રીલંકા 4 ફેબ્રુઆરીએ પોતાનો 73 મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. કોલંબોમાં ભારતના હાઈ કમિશને જારી કરેલા એક નિવેદન મુજબ, પીએમ મોદીએ ભાગીદારીની ભાષાકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોના આધારે બંને દેશોના ઊંડા અને જૂના સંબંધોને પુનરાવર્તિત કર્યા છે.
પીએમ મોદીએ છેલ્લા ઘણા વર્ષોમાં બંને દેશો વચ્ચેના સહયોગનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં કોવિડ -19 મહામારી સામે સંયુક્ત લડત સામેલ છે. તેમણે વધુમાં ઇચ્છા વ્યક્ત કરી કે, બંને દેશો વચ્ચેના સંબંધો આગામી વર્ષોમાં વધુ મજબૂત બનશે, અને આપણા લોકોની પ્રગતિ અને સમૃદ્ધિમાં ફાળો આપશે.
ગયા અઠવાડિયે ભારતે શ્રીલંકાને તેની ‘પાડોશી પ્રથમ’ નીતિના ભાગ રૂપે 5,00,000 કોરોના રસી આપી હતી. શ્રીલંકાના રાષ્ટ્રપતિ, ગોતબયા રાજપક્ષે વિમાનમથક પરની આ ખેપને સ્વીકારી લીધી. આ સાથે વડાપ્રધાન મોદીનો આભાર પણ માન્યો. રાજપક્ષે પણ કોરોના મહામારીના મુશ્કેલ સમયમાં શ્રીલંકાના લોકો પ્રત્યેના ઉદાર વલણ બદલ ભારતીય નાગરિકોનો આભાર માન્યો હતો.
ભારત 1947માં સ્વતંત્ર થયું, ત્યારબાદ છ મહિના પછી 4 ફેબ્રુઆરી 1948ના રોજ શ્રીલંકા સ્વતંત્ર થયું. આ દિવસ દેશભરમાં ધ્વજવંદન સમારોહ, નૃત્યો, પરેડ અને પ્રદર્શન દ્વારા ઉજવવામાં આવે છે. ખાસ કરીને મુખ્ય ઉજવણી કોલંબોમાં થાય છે, જ્યાં રાષ્ટ્રપતિ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે, અને રાષ્ટ્રીય સ્તરે પ્રસારિત ભાષણ આપે છે.
-દેવાંશી