- આઇપીએલ ટૂર્નામેન્ટ પૂર્વે કેરેબિયન બેટ્સમેન ગેઇલે તેના ફોર્મનો આપ્યો પરચો
- ક્રિસ ગેઇલે માત્ર 22 બોલમાં અણનમ 84 રન ફટકાર્યા
- મરાઠા એરેબિયન્સ સામેની મેચમાં સૌથી ઝડપી ફિફ્ટીના રેકોર્ડની બરાબરી કરી
અબુ ધાબી: ચાલુ વર્ષે આઇપીએલ ટૂર્નામેન્ટ રમાનારી છે ત્યારે આઇપીએલ ટૂર્નામેન્ટ પૂર્વે કેરેબિયન બેટ્સમેન ક્રિસ ગેઇલે તેના અસલી ફોર્મનો પરચો આપ્યો છે. ક્રિસ ગેઇલે ટીમ અબુ ધાબી તરફથી ટી10 સુપર લીગ મેચમાં મરાઠા એરેબિયન્સ સામેની મેચમાં સૌથી ઝડપી ફિફ્ટીના રેકોર્ડની બરાબરી કરી છે. આટલું જ નહીં ઝંઝાવાતી બેટિંગની મદદથી ગેઇલે તેની ટીમને નવ વિકેટે જ્વલંત વિજય પણ અપાવ્યો હતો.
મેચની વાત કરીએ તો અબુ ધાબી ઝાયદ સ્ટેડિયમમાં રમાયેલી ટી 10 મેચમાં ક્રિસ ગેઇલે 9 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકારીને 22 બોલમાં અણનમ 84 રન ફટકાર્યા હતા. ફક્ત 12 બોલમાં ફિફ્ટી ફટાકરીને ગેઇલે અગાઉ વર્ષ 2018માં મોહમ્મદ શહજાદના રેકોર્ડની બરોબરી કરી હતી.
મરાઠા એરેબિયનને ટીમ અબુ ધાબીને આપેલા 98 રનનો ટાર્ગેટ ગેઇલની તોફાની બેટિંગની મદદથી માત્ર 5.3 ઓવરમાં જ આસાનીથી પ્રાપ્ત થઇ ગયો હતો. ગેઇલે 22 બોલમાં 84 રનની ઝંઝાવાતી બેટિંગ કરી હતી જે પૈકી 78 રન તો ફક્ત બાઉન્ડ્રીથી જ કર્યા હતા.
એરેબિયન્સે પ્રથમ બેટિંગ કરી શરાફુના 33 રનની મદદથી તેમણે 10 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 97 રન કર્યા હતા. ગેઈલે અબુ ધાબી વતી ધમાકેદાર શરૂઆત કરી હતી અને યામિન અહમદઝઈની ઓવરમાં સળંગ ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને 18 રન કર્યા હતા. ટીમ અબુધાબીએ 5.4 ઓવરમાં એક વિકેટના નુકસાન સાથે 100 રન કરી મેચમાં જીત મેળવી હતી.
(સંકેત)