અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે લોકોની આર્થિક મુશ્કેલી વધી છે. તેમજ સરકાર દ્વારા સ્કૂલ ફીમાં વાલીઓને રાહત આપવામાં આવી છે. દરમિયાન હાઈકોર્ટે વિદ્યાર્થીઓના અભ્યાસ મુદ્દે સરકારને તાકીદ કરી હતી કે, ફી ભરવામાં માતા-પિતાની અસમર્થદતાને કારણે કોઈ પણ બાળકને સ્કૂલમાંથી કાઢી મુકવામાં ન આવે. શિક્ષણ સાથે ક્યારેય સમાધાન ન થવું જોઈએ.
પ્રાપ્ત માહિતી અનુસાર આઈઆઈએમ અમદાવાદ અને યુએસઆઈસીઈએફ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણમાં લોકડાઉનનાં સમયગાળા દરમ્યાન ઘણા પરિવારોની સામે આવેલી સમસ્યાઓનો ખુલાસો કરાયો હતો. ખાસ કરીને સરકારી સ્કુલોમાં મીડ-ડે મીલ અચાનક રોકાઈ જવાથી આવેલી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સર્વેના આધારે હાઈકોર્ટમાં એક અરજી થઈ હતી. હાઈકોર્ટે શિક્ષણ સાથે કયારેય સમાધાન ન થવુ જોઈએ તેમ જણાવીને નિર્દેશ કર્યો છે કે ફી ભરવામાં માતા-પિતાની અસમર્થતાને કારણે કોઈપણ બાળકને સ્કુલમાંથી કાઢી મુકવામાં ન આવે.
રાજયની વડી અદાલતે રાજય સરકાર દ્વારા લોકડાઉનના સમયગાળા દરમ્યાન વિભિન્ન પરિવારોની મુશ્કેલીઓને ઘટાડવા કરાયેલા પ્રયાસોની પ્રસંસા કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, સંભવ છે કે સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવેલી સહાયતા કેટલાંક પરિવાર સુધી ન પહોંચી હોય. સરકારે આવા વાસ્તવિક મામલા પર ધ્યાન આપવુ જોઈએ.
અત્રે ઉલ્લેખની છે કે, કોરોના મહામારીને પગલે સ્કૂલ-કોલેજમાં શિક્ષણ કાર્ય બંધ હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેમજ વાલીઓને આર્થિક મદદ મળી રહે તે માટે ખાનગી સ્કૂલોની ફીમાં પણ રાહત આપી હતી.