અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ધમધમાટ વચ્ચે મનપા ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યાં છે. તેમજ ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો છે. આમ આદમી પાર્ટીના દિલ્હીના નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યાં છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે સકારાત્મક માહોલ હોવાનો દાવો દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કર્યો હતો.
આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા અમદાવાદની મુલાકાતે આવ્યાં છે. તેઓ અમદાવાદમાં રોડ-શો કરશે. અમદાવાદ એરપોર્ટ ઉપર AAPના કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપના ઉમેદવારોએ ઉભા રહ્યાં છે. તેમજ ચૂંટણીમાં અમારા માટે સારુ પરિણામ આવશે. અમારી વિચારધારા અને કાર્યથી પ્રભાવિત થઈને લોકો જોડાઈ રહ્યાં છે. ગુજરાતમાં ભાજપમાં અહંકાર આવી ગયો છે અને લોકો ભાજપમાંથી મુક્તિ ઈચ્છે છે.
દરમિયાન AAPના નેતા અને રાજ્યસભા સાંસદ સંજયસિંહ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના કાર્યકરોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યકારોના કામકાજને લઇને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સારુ પરિણામ જોવા મળી શકે છે. અમે ઉમેદવારો માટે એક ક્રાઇટએરિયા નક્કી કર્યો છે, આમ અમે ઉમેદવારોની પસંદગીમાં ક્યારેય કોઇપણ બાંધછોડ કરતા નથી. કાર્યકરો દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે.