લો બોલો! જર્મન પોલીસે 6 કરોડ ડોલરની ક્રિપ્ટોકરન્સી પકડી પણ પાસવર્ડ તો મળતો જ નથી
- જર્મન પોલીસે 6 કરોડ ડોલરની ક્રિપ્ટોકરન્સી પકડી પાડી
- જો કે આરોપીએ પોલીસને બિટકોઇનનો પાસવર્ડ આપવાનો કર્યો ઇનકાર
- પોલીસના સામ-દામ-દંડ-ભેદ છતાં આરોપીએ છેક સુધી મોઢું ન જ ખોલ્યું
બર્લિન: આજના સમયમાં ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની બોલબાલા છે પરંતુ કેટલાક દેશોમાં હજુ પણ બિટકોઇનને ગેરકાયદેસર ગણવામાં આવે છે અને બિટકોઇનનો ઉપયોગ કરતા લોકો વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવે છે. જર્મનીની પોલીસે 1700 બિટકોઇન્સ સાથે એક આરોપીને પકડી લીધો છે. એ વખતે પોલીસને થયું કે તેઓનો મોટો વિજય થયો છે પરંતુ એવું થયું નહીં.
પ્રાપ્ત વિગતો અનુસાર, જર્મીનીની પોલીસે 6 કરોડ ડોલરની ક્રિપ્ટોકરન્સી કબજે કરી હતી. એ સાથે એક આરોપીની ધરપકડ પણ કરી લીધી હતી. આરોપીને જેલ ભેગો કરીને પોલીસે ઘણી પૂછપરછ કરી હતી, પરંતુ તેણે ક્રિપ્ટોકરન્સની પાસવર્ડ આપવાનો ઇનકાર કર્યો હતો.
પોલીસનો એવો ઘાટ થયો હતો કે ખજાનો સામે હતો, પરંતુ તેની ચાવી નહોતી. કેમ્ટનમાંથી પકડાયેલા માણસે પોલીસ સમક્ષ બિટકોઇન્સ મુદ્દે એક શબ્દ પણ બોલવાનો ઇનકાર કરી દીધો હતો. પોલીસે સામ-દામ-દંડ-ભેદ બધુ જ કરી જોયું, પરંતુ આરોપીએ મોઢું ન ખોલ્યું એટલે ન જ ખોલ્યું.
પોલીસ માટે એવી સ્થિતિ સર્જાઈ હતી કે ડિજિટલ વોલેટનો કબજો કર્યા પછી પણ કશું જ ન વળ્યું. સુરક્ષા એજન્સીઓ માટે આ કિસ્સો આંખ ઉઘાડનારો બની ગયો છે. કેસ સ્ટડી જેવા આ કિસ્સાથી પોલીસ અધિકારીઓને એ વાતનો અહેસાસ થયો હતો કે ડિજિટલ વોલેટ પકડાય જશે તો પણ એ ખરી સફળતા ગણાશે નહીં.
(સંકેત)