ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકઃ નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ 10મી ફેબ્રુઆરીએ જાહેર થવાની શકયતા
અમદાવાદઃ ગુજરાતમાં છ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ હવે ભાજપ દ્વારા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરી છે. આગામી તા. 10મી ફેબ્રુઆરીના રોજ નામ જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. ઉમેદવારોની પસંદગી નવા માપદંડો સાથે જ કરવામાં આવશે.
ગુજરાતમાં છ મહાનગરપાલિકાની 576 બેઠકો, 56 પાલિકાની 2088 બેઠકો, 31 જિલ્લા પંચાયતની 988 બેઠકો તેમજ 231 તાલુકા પંચાયતની 4778 બેઠકોની ચૂંટણી નિયત કરવામાં આવેલી છે. કુલ 8430 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. ભાજપનો ગોલ 7500 બેઠકો મેળવવાનો છે. પરંતુ કોર્પોરેશનમાં ઉમેદવારોની પસંદગી બાદ અસંતોષ સામે આવ્યો હતો. જેને ખાળવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. આ ઉપરાંત નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોન5 પસંદગી માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નક્કી કરેલી ફોર્મ્યુલાનો પણ પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતમાં પણ અમલ શરૂ કરવામાં આવ્યો છે. પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું જાહેરનામું આજે બહાર પડ્યું હતું. ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 13મી ફેબ્રુઆરી નિયત કરવામાં આવી છે.