અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જંત્રીના દરોમાં વધારાની હીલચાલ ચાલી રહી છે. દરમિયાન આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ સરકાર દ્વારા જંત્રીના દરોમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવે તેવી શકયતા છે. રાજ્યમાં છેલ્લા દાયકાથી જંત્રીના દરમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. વર્ષ 2011માં જંત્રીના દરોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી જંત્રીના દરમાં ફેરફાર કરવા માટે વિવિધ કમિટી દ્વારા ભલામણ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2011 જંત્રીના દરોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો 2018માં કેગના અહેવાલમાં એમ જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા લાંબા સમય સુધી જંત્રીના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પરિણામે સરકારની તિજોરી પર ગંભીર ફટકા પડી રહ્યા છે અને સરકારને મોટી ખોટ જઈ રહી છે. પબ્લિક કાઉન્ટ કમિટી દ્વારા પણ ગુજરાત સરકારને જંત્રીના દરોમાં ફેરફાર કરવાની ભલામણ કરવામા આવી હતી. જમીનના ભાવોનું વ્યાજબીકરણ અને સરણીકરણ કરવાની તેમના રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી હતી. જો કે, ગુજરાત સરકાર દ્વારા કમિટીની ભલામણો પર કોઈ અમલ કરવામાં આવ્યો નથી. સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની કામગીરી સંપન્ન થયા બાદ જંત્રીના દરોમાં મોટાપાયે ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. માર્ચના અંતમાં અથવા એપ્રિલ માસમાં ગુજરાત સરકાર જંત્રીના દરોમાં ફેરફાર કરી શકે છે. છેલ્લા એક દશકાથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના રેવન્યુ ખાતા દ્વારા પણ રાજ્ય સરકારને વારંવાર એવી ભલામણો કરવામાં આવી છે કે, જંત્રીના દરોમાં સુધારા-વધારા કરવાની જર છે પરંતુ એક યા બીજા કારણોસર અથવા રાજકીય કારણોસર આ નિર્ણય લઈ શકાયો ન હતો.