- હવે ચાની ચુસ્કી તમારું મોં કડવું કરી શકે છે
- ચાના છૂટક ભાવમાં 30 ટકાનો વધારો ઝીંકાયો
- આયાત પરની પરાધીનતા અને ઉત્પાદન ઘટતા ભાવવધારો થયો
અમદાવાદ: જો તમે પણ ચાના શોખીન હોવ અને વારંવાર ચાની ચુસ્કી લેવાની આદત હોય તો આ ન્યૂઝ તમારા મોં થોડું કડવું કરી શકે છે. હકીકતમાં, ચાના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે ચાના છૂટક ભાવમાં 30 ટકાનો વધારો ઝીંકાયો છે અને મહામારી બાદ આયાત પરની પરાધીનતાને કારણે પણ ચાના ભાવમાં વધારો થયો છે.
ચાના ભાવવધારા પાછળના કારણ વિશે વાત કરીએ તો, લોકડાઉન દરમિયાન, ચા ઉગાડતા રાજ્યોમાં પ્રવાસી મજૂરોની ગેરહાજરીના કારણે પાંદડાને સમયસર ચૂંટવામાં આવ્યા નહોતા, જેથી ઉત્પાદનમાં પણ અવરોધ આવ્યો હતો. ઓલ-ઇન્ડિયા ટી ટ્રેડર્સ અસોસિએશનનો અંદાજ દર્શાવે છે કે, ગત વર્ષના એપ્રિલ મહિનાથી ચાનું ઉત્પાદન આશરે 1.4 લાખ ટન જેટલું ઘટ્યું છે. જેનો અર્થ એ છે કે ઉત્પાદનમાં 10 ટકાનો ઘટાડો થયો છે.
2019માં ચાનું ઉત્પાદન 13.9 લાખ ટન ઉત્પાદન થયું હતું, જે ઘટીને 2020માં 12.5 લાખ ટન હતું. મહામારીના કારણે, સમયસર ન ચૂંટવાના કારણે ચાના પાન વધારે મોટા થઈ ગયા હતા. પરિણામે, ચાના કુલ ઉત્પાદનમાં ઘટાડો થઈને સ્ટોક આખો બરબાદ થઈ ગયો. જેના કારણે ચાના જથ્થાબંધ ભાવમાં 22 ટકાનો વધારો થયો છે, જે પ્રમાણે એક કિલોના ભાવ 300 રૂપિયા છે’, તેમ FAITTAના ચેરમેન વિરેન શાહે જણાવ્યું.
ફેડરેશનના જણાવ્યા પ્રમાણે, 2019ની સરખામણીમાં 2020માં ચાની હરાજીના ભાવ 35 ટકા વધારે-આશરે 80 રૂપિયા પ્રતિ કિલો હતા. કારણ કે આ માગ અને પુરવઠા પર આધારિત વાજબી કિંમત શોધવાની પદ્ધતિનું પરિણામ હતું. આ વર્ષ દરમિયાન ચાના છૂટક ભાવમાં પ્રતિ કિલો આશરે 60થી 70 રૂપિયાનો વધારો થયો છે.
લોકડાઉન દરમિયાન ગુણવત્તાયુક્ત ચા મેળવવી તે એક પડકારજનક કામ હતું, તેમ અસર પર ટિપ્પણી કરતાં વાઘ બકરી ગ્રુપના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર પરાગ દેસાઈએ કહ્યું. ‘જો કે, સર્વિસ હવે પ્રી-કોવિડ લેવલ પર પાછી આવી ગઈ છે. ચાના ભાવમાં વધારો થતાં વેપારીઓને ફટકો પડે છે, કારણ કે ઈંધણના વધતા-જતા ભાવ અને કન્ટેનરના ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ ધંધા માટે પડકારજનક છે’. તેમ તેમણે કહ્યું.
જો કે અહીંયા નવાઇની વાત એ છે કે ચાના ભાવમાં વધારો થયો હોવા છતાં, ચાનું વેચાણ ઓછું થયું નથી. ભારતમાં ચાનું ચલણ આજે પણ એટલું જ વધુ અને મજબૂત છે. તેથી જ લોકો ભાવ વધારો હોય તો પણ તેન સ્વીકારી લે છે.
(સંકેત)