અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં રાજકીયપક્ષો અને તેમના ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન રાજકોટમાં ભાજપના ઉમેદવારોએ મતદારો સુધી પહોંચવા માટે નવતર પ્રયોગ કર્યો છે. ભાજપના ઉમેદવારો પ્રચાર માટે પ્રચારમાં કાર્ટુન કેરેક્ટર્સને મેદાનમાં ઉતાર્યાં છે. ભાજપના કાર્યકરો કાર્ટુન કેરેકટર્સનો વેશ ધારણ કરીને ઉમેદવાર માટે મત માંગી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના વોર્ડ-7માં ભાજપના ઉમેદવારો શેરીએ શેરી પદયાત્રા કરીને મતદારો સુધી પહોંચી રહ્યાં છે. એટલું જ નહીં આ ઉમેદવારોએ પોતાના પ્રચારમાં કાર્ટુન કેરેક્ટર્સને સામેલ કર્યાં છે. પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારોએ તેમના કાર્યકર્તાઓને કાર્ટૂનનો વેષ ધારણ કરાવ્યો હતો. આ કાર્ટુન કેરેક્ટર ગલીઓમાં મનોરંજન કરીને ઉમેદવારોનો પ્રચાર કરી રહ્યાં છે. ભાજપના ઉમેદવારો દ્વારા વોર્ડ નંબર 7માં અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરવામાં આવતા લોકો પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે પણ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર કોર્પોરેશન માટે તા. 21મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. તેમજ તા. 23મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી પ્રચારને ગણતરીના દિવસો બાકી હોવાથી તમામ રાજકીય પાર્ટીઓના ઉમેદવારો કાર્યકર્તાઓની સાથે પ્રચાર કરી રહ્યાં છે. તેમજ મતદારો સુધી પહોંચવા માટે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યાં છે. તેમજ સમાજના આગેવાનો સાથે પણ બેઠકોનો દોર કરી રહ્યાં છે.