ગુજરાતની સ્કૂલોમાં ધો-1થી 5ના વર્ગો માર્ચથી શરૂ કરવાની સરકારની વિચારણા
અમદાવાદઃ ગુજરાતમાં ધો-9થી 12ના વર્ગો સ્કૂલમાં શરૂ કર્યાં બાદ તા. 18મી ફેબ્રુઆરીથી 6થી 8ના વર્ગો વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ સતત ઘટતું હોવાથી હવે સરકાર ધો-1થી 5ના વર્ગો શરૂ કરવા માટે વિચારી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ માર્ચ મહિનાથી ધો-1થી 5ના વર્ગો શરૂ કરવામાં આવે તેવી શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટતા હવે સ્કૂલ-કોલેજ ફરીથી ચાલુ થઈ રહ્યાં છે. રાજ્યમાં ધો-9થી 12નો અભ્યાસ સ્કૂલોમાં કરાવવામાં આવી રહ્યો છે. તેમજ 18મી ફેબ્રુઆરીથી ધો-6થી 8ના વર્ગો પણ શરૂ થઈ રહ્યાં છે. દરમિયાન હવે સ્કૂલોમાં ધો-1થી 5ના વર્ગો શરૂ કરવા માટે સરકાર વિચારી રહી છે. સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ માર્ચ મહિનામાં ધો-1થી 5ના વર્ગો શરૂ કરવામાં આવે તેવી શકયતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારી ગાઈડલાઈનના પાલન સાથે સ્કૂલો ચાલી રહી છે. વિદ્યાર્થીઓને ઓફલાઈન સાથે ઓનલાઈન એજ્યુકેશન પણ આપવામાં આવી રહ્યું છે. તા. 10મી મેથી રાજ્યમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.