- પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત પર નીતિન ગડકરીનું નિવેદન
- કહ્યું – હવે વૈકલ્પિક ઇંધણ વિશે વિચારવાનો સમય આવી ગયો છે
- વિજળીને ઇંધણના રૂપમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે
નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ઘણા રાજ્યોમાં તો પેટ્રોલ-ડીઝલની કિંમતો 100 રૂપિયા પ્રતિ લિટરની નજીક પહોંચી ગઇ છે. એવામાં સરકાર કિંમતોમાં ઘટાડો કરવાની વાત તો દૂર રહી, પરંતુ અન્ય વિકલ્પો વિશે વિચારવાનું કહી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશમાં વૈકલ્પિક ઇંધણની વકીલાત કરતા કહ્યું કે, હવે તેનો સમય આવી ગયો છે.
આ અંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, વિજળીને ઇંધણના રૂપમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જે આગામી સમય માટે શુભ સંકેત છે. અમારું મંત્રાલય વૈકિલ્પક ઇંધણ પર જોરશોરથી કામ કરી રહ્યું છે. મારું સુચન છે કે, હવે દેશમાં વૈકલ્પિક ઇંધણનો સમય આવી ગયો છે. હું પહેલાથી જ ફ્યુઅલ માટે ઇલેક્ટ્રિસિટને મહત્વ આપવાની વાત કરી રહ્યો છું.
ગડકરીએ કહ્યું કે, દેશમાં પહેલેથી 81 81 ટકા લીથિયમ-આયન બેટરીઝ બની રહી છે. તે સાથે જ હાઈડ્રોજન ફ્લુઅલ સેલ્સને પણ વિકસિત કરવાનો પ્રયાસ સરકાર કરી રહી છે. એવામાં અમારું માનવું છે કે, હવે ઈંધણના નવા વિકલ્પનો યોગ્ય સમય આવી ગયો છે. લીથિયમ આયન બેટરીના ક્ષેત્રમાં હજુ ચીન જેવા દેશોનો દબદબો છે, પરંતુ ભારત સરકાર પણ ઈંધણના વિકલ્પને લઈને ઝડપથી કામ કરી રહી છે અને આ ક્ષેત્રમાં પોતાનો દબદબો બનાવવા ઈચ્છે છે.
(સંકેત)