અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષો ઉંચી-ઉચી ઈમારતો ઉભી થઈ છે. બીજી તરફ વૃક્ષ ઓછા બચ્યાં છે. જો કે, લોકોને શુદ્ધ હવા મળી રહે તે માટે શહેરના વિવિધ વિસ્તારમાં બાગ-બગીચા ઉભા કરવામાં આવ્યાં છે. જો કે, પ્રદુષણને ઘટાડવા માટે તંત્ર દ્વારા કામગીરી તેજ બનાવવામાં આવી છે. ત્યારે સાબરમતી રિવરફ્રન્ટના એક કાંઠે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી 33 હજાર જેટલા વૃક્ષોનો ઉછેર કરીને ઓક્સિજન જંગલ ઉભુ કરવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેથી શહેરીજનોને શુદ્ધ હવા મળવાની સાથે પક્ષીઓને પણ આશ્રયસ્થાન મળી રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના દૂધેશ્વર કાળભૈરવના મંદિરથી સ્મશાનની મેલડી માતાના મંદિર સુધીના રિવરફ્રન્ટના પટ્ટામાં કોર્પોરેશન દ્વારા વૃક્ષોના ઉછેરની કામગીરી શરૂ કરવામાં આવી છે. લગભગ 9 હજાર સ્કેવર મીટરમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. અહીં જાપાનીઝ પદ્ધતિથી ભારતીય મૂળના વૃક્ષોનું જ વાવેતર કરવામાં આવી રહ્યું છે. જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી બે વર્ષના સમયગાળામાં જ વૃક્ષો 1થી 18 ફુટ સુધી હાઈટ પકડે છે. મિયાવાકી પદ્ધતિમાં કોકોપીટ, માટી, દેશી છાણિયું ખાતર, ચોખાની ફોતરીમાં ગૌમૂત્ર અને આંકડાનું દૂધ નાખવામાં આવે છે. જેથી વૃક્ષોનો ઉછેર ઝડપી બને છે. શહેરના પૂર્વ વિસ્તારમાં એક ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યાં છે. જેના કારણે પ્રદુષણ ફેલાય છે. જો કે, મનપા દ્વારા શરૂ કરવામાં આવેલી આ કામગીરીથી શહેરમાં પ્રદુષણનું પ્રમાણ ઘટશે. આ ઉપરાંત લોકોને ચીખ્ખી હવા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર શહેરીજનોના મંનોરંજન માટે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.