જામનગરમાં 50 બેઠકો પર ભાજપ જીતશે: જામનગર શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલ કથગરાનો આશાવાદ
- જામનગરમાં આજ સવારથી મતદાનનો થયો પ્રારંભ
- જામનગર શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલ કથગરાએ પણ કર્યું મતદાન
- ભાજપ 50 બેઠકો પર જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો
જામનગર: જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે સવારથી જ મતદાનનો પ્રારંભ થયો હતો. શહેરની વિભાજી સ્કૂલમાં જીલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જામનગર શહેર ભાજપના પ્રમુખ ડૉ. વિમલ કથગરાએ વોર્ડ નં-3ના સેન્ટ આન્સ સ્કૂલમાં મતદાન કર્યું હતું અને જામનગરમાં 50 બેઠકો પર ભાજપ જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂનમબેન માડમ – પૂર્વ મેયર, હસમુખભાઇ જેઠવા, વિક્રમભાઇ માડમ- ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર અને હાલના આપના ઉમેદવાર કરસનભાઇ કરમુર સહિતના અગ્રણીઓએ મતદાન કર્યું હતું.
જામનગરના સાંસદ પૂનમબેમ માડમે નવાગામ ઘેડમાં ગોપાલક સ્કૂલમાં મતદાન કર્યું છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે પણ ગોપાલક સ્કૂલમાં પોતાના પત્ની સાથે મતદાન કર્યું. આ ઉપરાંત જામનગર વોર્ડ-7ના ભાજપના ઉમેદવાર ગોપાલ સોરઠીયાએ વ્હીલચેરમાં પહોંચી હરિયા સ્કૂલમાં મતદાન કર્યું હતું. જામનગરમાં ખાસ કરીને અબાલ વૃદ્વોમાં પણ લોકશાહીના આ મહાપર્વને લઇને વિશેષ જુસ્સો અને જોશ જોવા મળ્યો છે.
(સંકેત)