બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ડરેલા પાકિસ્તાનમાં હવાઈ સેવાઓ અત્યાર સુધી સામાન્ય થઈ શકી નથી. પાકિસ્તાને ફરી એકવાર બહાવલપુર, રહીમયાર ખાન અને સિયાલકોટ એરપોર્ટ બંધ કરી દીધા છે.
પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીએ આના સંદર્ભે ઘોષણા કરી છે. પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઈટ ડૉને સીએએને ટાંકીને કહ્યુ છે કે પાકિસ્તાનના પૂર્વીય ક્ષેત્રના એરસ્પેસ ત્યારે જ ખોલવામાં આવશે, કે જ્યારે અધિકારીઓ દ્વારા તેમને સિક્યુરિટી ક્લિયરન્સ મળી જશે.
26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં ભારતના હવાઈ હુમલા બાદ જબરદસ્ત તણાવનો માહોલ છે. ભારતની એરસ્ટ્રાઈક બાદ 27 ફેબ્રુઆરી બાદથી સિયાલકોટ, બહાવલપુર સહીત પોતાના સાત એરપોર્ટોને ગત દશ દિવસોથી બંધ કરી દીધા છે. એરસ્પેસ બંધ હોવાના કારણે પાકિસ્તાનને લાખો ડોલરનું નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. ઘણી ફ્લાઈટ સર્વિસિસને બંધ કરવી પડી છે, તો કેટલીક ફ્લાઈટના રુટ ડાઈવર્ટ કરવામાં આવ્યા છે.
પાકિસ્તાની અખબાર ડૉનના અહેવાલ મુજબ, અધિકારીએએ જણાવ્યું છે કે સિયાલકોટ, રહીમયાર ખાન, ડીજી ખાન, સુકુર, સ્કાર્દૂ અને ગિલગિટ એરપોર્ટને સુરક્ષા પડકારોને કારણે બંધ રાખવામાં આવ્યા છે. આમાના ઘણાં એરપોર્ટ ભારતીય સરહદની નજીક છે. જો કે કરાચી, ઈસ્લામાબાદ, લાહોર અને પેશાવર જેવા એરપોર્ટને પાકિસ્તાને પાંચ માર્ચે ખોલ્યા હતા.
26 ફેબ્રુઆરીની રાત્રે ભારતે પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલાના બદલામાં બાલાકોટ ખાતે આતંકી જૂથના આતંકી કેમ્પ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ મોટા પ્રમાણમાં ઠાર થયા હતા. આ એર સ્ટ્રાઈકના બીજા દિવસે 27મી ફેબ્રુઆરીએ પાકિસ્તાની વાયુસેનાના વિમાનોએ નૌશેરામાં ભારતીય સીમામાં ઘૂસવાની કોશિશ કરી હતી. પરંતુ એલર્ટ ભારતીય વાયુસેનાના યુદ્ધવિમાનોએ પાકિસ્તાની વિમાનોને પાછા ખદેડયા હતા. તે વખતે પીઓકેના હવાઈ ક્ષેત્રમાં ભારત અને પાકિસ્તાનના ફાઈટર જેટ્સ વચ્ચે જોરદાર ડોગ ફાઈટ્સ થઈ હતી. જેમાં ભારતે પાકિસ્તાનના એક એફ-16 યુદ્ધવિમાનને તોડી પાડયું હતું. જ્યારે ભારતનું એક મિગ-21 બાયસન પાકિસ્તાની વિમાનોના હુમલાની ઝપટમાં આવી ગયું હતું.
આ ડોગફાઈટ બાદ પાકિસ્તાને પોતાના તમામ એરસ્પેસ બંધ કર્યા છે, ભારતે પણ કેટલાક કલાકો માટે જમ્મુ, શ્રીનગર, અમૃતસરમાં પોતાના એરસ્પેસ બંધ કર્યા હતા. પરંતુ પાકિસ્તાને ભારતની કાર્યવાહીના ડરથી પાંચમી માર્ચ સુધી પોતાના તમામ એરસ્પેસ બંધ રાખ્યા હતા.