પુલવામા એટેક બાદ અને ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે દેશભરમાં એલર્ટ છે. તેમ છતાં કેટલીક બની રહેલી ઘટનાઓ દેશની સુરક્ષા મામલે ચિંતાનું કારણ બનેલી છે.
તાજેતરમાં બિકાનેરમાં એક માનવરહીત ડ્રોન તોડી પાડવામાં આવ્યા બાદ હવે પશ્ચિમ બંગાળથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સે એક વાહનમાંથી વિસ્ફોટકનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.
જાણકારી મુજબ, એસટીએફ દ્વારા વિસ્ફોટકની 27 શકાસ્પદ બોરી જપ્ત કરવામાં આવી છે. આમા હજાર કિલોગ્રામની આસપાસ વિસ્ફોટક હતો. જણાવવામાં આવે છે કે આ વિસ્ફોટક ઓડિશા તરફથી આવી રહેલી એક કારમાંથી મળ્યો છે. વિસ્ફોટક સાથે બે લોકોની ધરપકડ પણ કરવામાં આવા છે. ધરપકડ કરાયેલા બંનેની ઓળખ ઈન્દ્રજીત ભૂઈ અને પદમોલોચન ડે તરીકે થઈ છે. ઝડપાયેલો હજાર કિલોગ્રામ વિસ્ફોટક પોટેશિયમ નાઈટ્રેટ છે.
મીડિયા રિપોર્ટ મુજબ, આ કાર ઓડિશાથી પશ્ચિમ બંગાળ આવી રહી હતી. હાલમાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ થઈ રહી છે. આના પહેલા પણ સુરક્ષા પર સવાલ પેદા કરનારી ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે.
શુક્રવારે જમ્મુ એરપોર્ટ પાસે શંકાસ્પદ સામાન મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. લોકોએ કોઈ શંકાસ્પદ વસ્તુ જોઈને બાદમાં દોડધામ મચી ગઈ હતી. માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે જણાવ્યું કે તેમણે કેટલીક બેટરી અને બેગ જપ્ત કર્યા છે.
ગત સોમવારે પાકિસ્તાની સેનાના એક માનવરહીત વિમાને બિકાનેરની સીમા પર ઉડાણ ભરી હતી અને તેને ભારતીય સેના દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આ પહેલા 26 ફેબ્રુઆરીએ એક પાકિસ્તાની યુએવીને કચ્છમાં તોડી પાડવામાં આવ્યું હતું.