કોર્પોરેશનની ચૂંટણી બાદ પક્ષવિરોધી પ્રવૃતિ કરનારા કાર્યકરો સામે ભાજપે શરૂ કરી કાર્યવાહી
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત કોર્પોરેશનમાં ગઈકાલે મતદાન પૂર્ણ થતા આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. બીજી તરફ ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા કાર્યકરો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભાજપ સંગઠને કચ્છમાંથી 38 કાર્યકર તથા છોટા ઉદેપુરમાં 15 કાર્યકરોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળે છે. નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા નવા માયદંડથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં અનેક સીટીંગ નગર સેવકોના પત્તા કપાયાં હતા. તેમજ ભાજપમાં ઉમેદવારોની પસંદગી બાદ ભારે અસંતોષ સામે આવ્યો હતો. જેથી ભાજપ હાઈકમાન્ડ દ્વારા ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરવામાં આવી હતી. હાલ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા જોરદાર ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના સ્ટાર પ્રચારકો રાજ્યભરમાં રેલીઓ અને સભાઓ ગજવી રહ્યાં છે. દરમિયાન કેટલાક કાર્યકરો પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા હોવાનું સામે આવતા ભાજપ દ્વારા તેમની સામે લાલઆંખ કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભાજપ દ્વારા કચ્છ અને છોટાઉદેપુરના કેટલાક કાર્યકરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા કાર્યકરો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં આગામી તા. 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવું આયોજન ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવ્યું છે. તેમજ આવતીકાલે અમદાવાદ સહિત છ કોર્પોરેશનમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. જો કે, કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન ઓછુ થયું હોવાથી ઉમેદવારો અને રાજકીયપક્ષોની ચિંતામાં વધારો થયો છે.