- વૈશ્વિક કોરોના મહામારી સામેની લડતમાં ભારતે અદ્દભુત નેતૃત્વનું કર્યું પ્રદર્શન
- ભારતે જે રીતે વેક્સિનેશન અભિયાનને ગતિમાન કર્યું તે ખરા અર્થમાં પ્રશંસાને પાત્ર: UN
- કોરોના વિરુદ્વની લડતમાં ભારતે વૈશ્વિક દયા દાખવી છે: UN
ન્યૂયોર્ક: વૈશ્વિક કોરોના મહામારીની સામેની લડત દરમિયાન ભારતે અનેક દેશોને વેક્સિન મોકલીને કરેલી મદદ, માનવતા અને મદદરૂપ થવાની ભાવનાને સંયુક્ત રાષ્ટ્ર તેમજ આંતરરાષ્ટ્રીય સમુદાયોએ પણ બિરદાવી છે અને ભારતનો આભાર વ્યક્ત કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર UN સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુતરેસે કહ્યું કે કોરોના વિરુદ્વની લડતમાં ભારતે વૈશ્વિક દયા દાખવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમુર્તિએ ભારતીય નેતૃત્વની ચૌતરફ થઇ રહેલી પ્રશંસાને લઇને ટ્વીટ કરતા યુએનનો આભાર માન્યો હતો.
યુએનના સેક્રેટરી જનરલે કહ્યું હતું કે, ભારતે કોરોના મહામારી દરમિયાન પ્રભાવશાળી કામ કર્યું. વૈશ્વિક મહામારીના સમયમાં આંતરરાષ્ટ્રીય સમુદાયો માટે આવશ્યક દવાઓ, ટેસ્ટિંગ કિટ્સ, પીપીઇ કિટ્સ અને વેન્ટિલેટર 150 દેશોમાં જે રીતે સપ્લાય કર્યા હતા, તે ખરા અર્થમાં પ્રશંસાને પાત્ર છે. આવું કાર્ય કોઇ સક્ષમ દેશ જ કરી શકે.
મહામારી દરમિયાન ભારતે વેક્સિન વિકસાવી તેમજ વ્યાપક પ્રમાણમાં તેનું ઉત્પાદન કર્યું. તેની સાથે વિશ્વમાં વેક્સિનેશન મિશનને જે રીતે ગતિમાન કર્યું, એમાં ભારતે તેની અદ્દભુત ક્ષમતાનું પ્રદર્શન કર્યું. ભારત દ્વારા સંયુક્ત રાષ્ટ્રની શાંતિ સેનાને કોરના વેક્સિનના 2 લાખ ડોઝ ફ્રી આપવાનું પગલું અત્યંત પ્રભાવી હતું.
નોંધનીય છે કે ભારત અત્યારસુધી 229 લાખથી વધુ કોરોના વેક્સિનન ડોઝ આંતરરાષ્ટ્રીય સમુદાયને મોકલી ચૂક્યું છે.
(સંકેત)