કોર્પોરેશન ચૂંટણીઃ રાજકોટ, જામનગર અને ભાવનગરમાં ભાજપની બહુમતી
અમદાવાદઃ ગુજરાતમાં છ કોર્પોરેશનની ચૂંટણી માટે મતગણતરી હાલ ચાલી રહી છે. જેમાં ભાજપ બહુમતી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજકોટ, ભાવનગર અને જામનગરમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમત હાંસલ કરી લીધી હોવાનું જાણવા મળે છે. જેથી ફરીથી ત્રણેય કોર્પોરેશનમાં ભાજપનું શાસન આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં ભાજપનો ભંગવો લહેરાયો છે. અત્યાર સુધીમાં 76 બેઠકો પૈકી 56 બેઠકો ઉપર ભાજપનો વિજય થયો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ કોંગ્રેસ એક પણ બેઠક જીતી નથી. ભાજપના ભવ્ય જીતથી ઉમેદવારો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ ફેલાય છે. બીજી તરફ કોંગ્રેસના શહેર પ્રમુખ અશોક ડાંગરે હાર સ્વિકારી છે. તેમજ ચૂંટણીમાં ભાજપ દ્વારા સરકારી મશીનરીનો ઉપયોગ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો.
જામનગરમાં 64 બેઠકો પૈકી 44 બેઠકો ઉપર ભાજપની જીત થઈ હોવાનું જાણવા મળે છે. જ્યારે કોંગ્રેસના 7 ઉમેદવારોની જીત થઈ છે. આવી જ રીતે ભાવનગરમાં 52 બેઠકો પૈકી 31 બેઠકો ઉપર ભાજપની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસની પાંચ બેઠકો ઉપર જીત થઈ છે. આમ ત્રણેય કોર્પોરેશનમાં ભાજપનો ભગવો લહેરાયો છે. આવી જ રીતે અમદાવાદ અને વડોદરામાં પણ ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે.
કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની જંગી જીતથી નેતાઓ અને કાર્યકરોમાં ખુશી ફેલાઈ છે. તેમજ ઠેર-ઠેર ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી છે. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની જીતને પગલે અમદાવાદમાં સાંજે ઉજવણી કરવામાં આવશે.