- ભારતમાં પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે પેટ્રોલિયમ મંત્રીની અપીલ
- પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જીએસટી કાઉન્સિલને કરી વિનંતી
- પેટ્રોલિયમ પ્રોડકટ્સને જીએસટીના નેજા હેઠળ તાત્કાલિક લવાય
નવી દિલ્હી: ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત સતત વધી રહી છે ત્યારે પેટ્રોલિયમ, નેચરલ ગેસ અને સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ કાઉન્સિલને વિનંતી કરી હતી કે તે શક્ય તેટલા વહેલા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીના નેજા હેઠળ લાવે. આપને જણાવી દઇએ કે હાલમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર કેન્દ્રીય આબાકારી જાકાત તેમજ રાજ્યો દ્વારા વેલ્યુ એડેડ ટેક્સ લાગે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે પહેલા દિવસથી જ હું જીએસટી કાઉન્સિલને વિનંતી કરી રહ્યો છું કે પેટ્રોલિયમ પ્રોડકટ્સને જીએસટીના નેજા હેઠળ લાવવામાં આવે. અમે કાઉન્સિલને આ અંગે સતત વિનંતી કરી રહ્યા છે અને આજે હું ફરીથી જીએસટી કાઉન્સિલને અમારી માંગ પર વિચારણા કરવા માટે અપીલ કરું છું.
પ્રધાને અપીલ ત્યારે કરી છે જ્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વિક્રમજનક સ્તરે પહોંચી ગયા છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 90.83 અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર 81.32 રૂપિયા થયો છે.
પેટ્રોલિયમ મંત્રીએ લોકોના હિતાર્થે કહ્યું હતું કે જો જીએસટી કાઉન્સિલ પેટ્રોલિયમ પ્રોડકટ્સને જીએસટીના નેજા હેઠળ લાવવાનું વિચારે તો તેનાથી સામાન્ય માણસને ઘણી રાહત થશે. તેના પગલે ઓઇલ અને ગેસ સેક્ટરની વૃદ્વિમાં પણ મદદ મળશે.
તેમણે જણાવ્યું હતું કે અમે જીએસટી કાઉન્સિલને સતત વિનંતી કરી રહ્યા છીએ કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીના નેજા હેઠળ લાવવામાં આવે જેથી લોકોને ફાયદો થાય, હવે આ અંગે નિર્ણય તેણે કરવાનો છે.
જીએસટી કાઉન્સિલ જીએસટી હેઠળ આવતા કોઈપણ કાયદા કે નિયમને સુધારો કરતી કે તેમાં ફેરફાર કરતી એકમાત્ર સમિતિ છે. તેના વડા તરીકે નાણાપ્રધાન નિર્મલા સીતારામન છે. તેમને બારતના બધા રાજ્યોના નાણાપ્રધાન મદદ કરે છે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક માર્ચમાં યોજાશે.
નોંધનીય છે કે, આ મહિને અગાઉ સીતારામને કોલકાતામાં જણાવ્યું હતું કે એક વખત બધા રાજ્યો અને જીએસટી કાઉન્સિલ પેટ્રોલિયમ પ્રોડ્કટ્સને જીએસટીના નેજા હેઠળ લાવવામાં સંમત થાય તો પછી તેના પર પણ જીએસટી લાગશે.
(સંકેત)