સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ પ્રચાર પડઘમ થશે શાંત, રવિવારે યોજાશે મતદાન
અમદાવાદઃ ગુજરાતમાં નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત માટે આગામી તા. 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજ્યકીય પક્ષો અંતિમ ઘડીનો પ્રચાર કરી રહ્યાં છે. આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે. ત્યાર બાદ ઉમેદવારો અને કાર્યકરોની ગામના આગેવાનો સાથે બેઠકનો દોર શરૂ થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતની 81 જેટલી નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત માટે આગામી રવિવારે મતદાન યોજાશે. જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. લગભગ 74 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ ચૂંટણીમાં ખડેપગ રહેશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓના લગભગ 22170 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. હાલ ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા અંતિમ પડીનો ચૂંટણીપ્રચાર કરવામાં આવી રહ્યો છે. સાંજે છ કલાકે ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયથી ઉમેદવારો અને કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર થયો છે. બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને એવૈસીની પાર્ટીએ પણ ઉમેદવારો ઉભા રાખ્યાં છે. જેથી ખરાખરીનો જંગ જામશે.
તા. 28મી ફેબ્રુઆરીએ સવારે 7 કલાકે મતદાન શરૂ થશે. મતદાન વધારેમાં વધારે થાય તે માટે ચૂંટણીપંચ ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. રવિવારે 2.97 કરોડ મતદારો ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરશે. તા. 2 માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.