ચીનના અસલી તેવર દેખાયા, પેંગોંગમાંથી સેના ખસેડી પરંતુ પૂર્વોત્તરમાં સૈન્ય-સરંજામ ખડક્યાં
- ચીનના સતત બદલતા તેવર
- એક તરફ પેંગોંગ લેક પાસેતી સૈન્ય પાછું હટાવ્યું
- તો બીજી તરફ પૂર્વોત્તરમાં સૈન્ય-સરંજામ ખડક્યાં
નવી દિલ્હી: ચીને લદ્દાખમાં તો પેંગોગ લેક પાસેથી પોતાના સૈનિકો તેમજ લશ્કરી સરંજામ, બાંધકામો વગેરે હટાવી ચૂક્યું છે, જો કે આમ ચીન પર ભરોસો થાય એમ નથી. કારણ કે, ચીને પેંગોંગના એક મોરચેથી સૈન્ય હટાવ્યું છે, તો સામે પૂર્વોત્તરમાં જંગી લશ્કર અને લશ્કરી સામગ્રી ખડકી દીધી છે. સિક્કીમ-અરુણાચલ સરહદે ચીન દ્વારા કરવામાં આવી રહેલું લશ્કરી બાંધકામ ચીનના અસલી તેવર દેખાડે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમેરિકામાં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના ડિરેક્ટરની નિમણૂંક થવાની છે. એ માટે 64 વર્ષિય વિલિયન બર્ન્સને બાઇડેને પસંદ કર્યા છે. જો કે પસંદગી ફાઇનલ કરવા માટે અમેરિકી સંસદ સમક્ષ બર્ન્સે પ્રેઝન્ટેશન આપ્યું હતું. એ દરમિયાન બર્ન્સે કહ્યું હતું કે, ચીન પહેલાથી જ અમેરિકા સામે મોટો પડકાર છે. તેની સામે અમેરિકાએ લાંબાગાળાની વ્યૂહરચના ઘડવી જ પડશે. ભારત સાથે ચીનની સાડા ત્રણ હજાર કિલોમીટર લાંબી લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ એટલે કે સરહદ છે.
એ પૈકી અરૂણાચલ સરહદને ચીન સરહદ ગણતું નથી કેમ કે અરૂણાચલને ચીન પોતાનો ભાગ ગણાવે છે. તિબેટિયનો માટે અતિ મહત્ત્વનું ધર્મસ્થળ તવાંગ અરૂણચાલમાં છે. તિબેટિયનોને કાબુમાં લેવા માટે તવાંગ પર કબજો જમાવવાની ચીનની જૂની ઈચ્છા છે.
અત્યારે ફરીથી ચીનની એ ઈચ્છા જાગી ઉઠી હોય એમ લાગે છે. કેમ કે સિક્કીમ-અરૂણાચલ સરહદે ચીને રોડ-રસ્તા, લશ્કરી સરંજામની સાચવણી માટે ડેપો, સૈનિકો માટે શેલ્ટર, કામયમી અને કામચલાઉ લશ્કરી બાંધકામો.. વગેરે ઉભાં કર્યા છે. ભારત સરકાર માટે ચીનનું આ પગલું ચિંતાનો વિષય બન્યું છે.
અમેરિકામાં કેટલાક સાંસદોએ એવી પણ ડિમાન્ડ કરી હતી કે ચીન પર હજુ વધારે પ્રતિબંધો મુકવામાં આવે. બાઈડેને સત્તા સંભાળ્યા પછી ચીન પ્રત્યે તેમનું વલણ અત્યાર સુધી ખાસ અક્કડ જણાયુ નથી. પરંતુ અમેરિકાના વલણમાં ખાસ ફરક આવશે નહીં.
(સંકેત)