કોરોના રસીકરણ અભિયાનઃ CM રૂપાણી 15 દિવસ બાદ લેશે કોરોનાની રસી
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના રસીકરણના ત્રીજા તબક્કાનો પ્રારંભ થયો છે. દેશમાં 60 વર્ષથી વધુની ઉંમર તથા વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસી લઈને રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત અનેક રાજકીય આગેવાનોએ પણ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જો કે, તાજેતરમાં જ કોરોનાને હરાવીને સાજા થયેલા મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણી હાલ કોરોનાની રસી નહીં લે. તબીબોની સલાહ બાદ 15 દિવસ પછી તેઓ કોરોનાની રસી લે તેવી શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ ગાંધીનગરની એક હોસ્પિટલમાં કોરોનાની રસીનો ડોઝ લીધો હતો. જો કે, વિજય રૂપાણીને હાલમાં જ કોરોના થયો હોવાથી તે વેક્સિન નહીં લે. તબીબો અને આરોગ્ય ટીમે 15-20 દિવસ બાદ વેક્સિન લેવા સૂચના આપી છે. કોરોનામાંથી સાજા થયા બાદ તરત જ વેક્સિન નથી લઈ શકાતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી કોવિડ પ્રોટોકોલ પ્રમાણે 2- 3 સપ્તાહ બાદ વેક્સિન લેશે.
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકોને રસી મળી રહે તે માટે સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 2500 જેટલી સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે રસી આપવામાં આવશે. આ ઉપરાંત લોકો ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ મેળવી શકે છે. જે માટે કેન્દ્ર સરકાર દ્વારા કિંમત પણ નક્કી કરવામાં આવી છે. કોરોનાની રસી માટે પહેલા નોંધણી કરવાની રહેશે. નોંધણી બાદ જ કોરોનાની રસી માટે જે તે વ્યક્તિને બોલાવવામાં આવશે.