ગુજરાતના બજારોમાં ફળોના રાજા હાફૂસ કેરીનું આગમન
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાની શરૂઆતની સાથે કેરી શોખીનો માટે ફળોના રાજા હાફુસ કેરીનું આગમન થયું છે. જો કે, હાલ મર્યાદિત આવક હોવાથી હાલ હાફુસ કેરીનો ભાવ રૂ. 300થી 500 સુધી છે. જેથી કેરી શોખીનોના ખિસ્સા ઉપર અસર પડશે. બીજી તરફ આગામી દિવસોમાં બજારમાં ગુજરાતની સુપ્રસિદ્ધ કેસર કેરીનું પણ આગમન થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના શહેરોના ફ્રુટ બજારમાં હવે ઉનાળાની શરૂઆત સાથે જ હાફુસ કેરીનું આગમન થયું છે. રાજકોટમાં જ્યૂબેલી માર્કેટની અંદર હાલ 40થી 50 પેટી જ કેરીની આવક નોંધાઇ છે. જ્યારે મેંગો માર્કેટમાં વિવિધ વેપારીઓને ત્યાં અંદાજે એક ટ્રક કેરીની આવક નોંધાઇ છે. હાલ માત્ર દેવગઢ અને મુંબઈથી હાફૂસ કેરીની જ આવક થઈ રહી છે. જેનો ભાવ રૂ. 300થી લઈને 500 સુધીનો છે. વેપારીઓના જણાવ્યાં અનુસાર હજુ આવક મર્યાદિત છે. જેથી ભાવ ઉતરવામાં હજુ થોડા દિવસ ગ્રાહકોએ રાહ જોવી પડશે.
ગુજરાતમાં દર વર્ષે ગીરની કેસર કેરીનું સૌથી વધારે વેચાણ થાય છે. કેરી રસીયાઓ કેસર કેરીની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આગામી દિવસોમાં ગુજરાતના માર્કેટમાં કેસર સહિત વિવિધ જાતની કેરીઓનું આગમન થશે.