ગુજરાતમાં લગભગ 4.12 લાખ યુવાનો બેરોજગાર, શિક્ષિત બેરોજગારોનુ પ્રમાણ વધુ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસને કારણે કરોડોનું મૂડી રોકાણ ઉભુ થયું છે. જેનાથી રોજગારીની નવી તકો ઉભી થઈ હોવાના દાવા કરવામાં આવે છે. જો કે, હાલ રાજ્યમાં લગભગ 4.12 લાખ જેટલા યુવાનો બેરોજગાર હોવાનું સામે આવ્યું છે. જેની સામે બે વર્ષમાં 1777 યુવાનોને સરકારી નોકરી મળી હોવાનું જાણવા મળે છે. અમદાવાદ સહિત રાજ્યના લગભગ 15 જેટલા જિલ્લામાં બે વર્ષના સમયગાળામાં એક પણ સરકારી નોકરી આપવામાં નહીં આવી હોવાનું જાણવા મળે છે.
ગુજરાત વિધાનસભામાં સરકારના જણાવ્યા અનુસાર રાજ્યમાં 3,92,418 શિક્ષિત બેરોજગાર અને 20,566 અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ4,12,985 બેરોજગારો નોંધાયેલા છે. આમ રાજ્યમાં શિક્ષિત બેરોજગાર યુવાનોની સંખ્યા મોટી છે. જ્યારે છેલ્લાં 2 વર્ષમાં રાજ્ય સરકારે માત્ર 1777 બેરોજગારોને સરકારી નોકરી આપી છે. ચોંકવનારી બાબત એ છે કે, બે વર્ષમાં રાજ્યના મહીસાગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, ભરૂચ, જૂનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, દાહોદ, વલસાડ, તાપી અને ડાંગ મળીને 15 જીલ્લાઓમાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી.
ગુજરાત વિધાનસભામાં સરકારે બજેટ દરમિયાન આગામી પાંચ વર્ષમાં ખાનગી સેકટરમાં 20 લાખ નોકરી ઉભી કરવાના દાવા કર્યો હતો. તેમજ આગામી વર્ષોમાં બે લાખ લોકોની સરકારી નોકરીમાં ભરતી આવશે. ગુજરાતમાં વિવિધ ખાનગી સેકટરમાં રોજગારીની નવી તકો ઉભી જાય તેવા સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત આત્મનિર્ભર ભારત યોજના હેઠળ પણ સરકાર દ્વારા વ્યવસાય ઉભો કરવા માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.