જમ્મુ-કાશ્મીરમાં કુલગામમાં આતંકી અડ્ડા પર કાર્યવાહી, ગ્રેનેડ સહીત શસ્ત્રો-વિસ્ફોટકો કરાયા જપ્ત
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોએ એક આતંકવાદી ઠેકાણા પરથી ગ્રેનેડ સહીતના વિસ્ફોટકો અને શસ્ત્રો જપ્ત કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન એખ વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસે આના સંદર્ભે બુધવારે જાણકારી આપી છે.
એક પોલીસ પ્રવક્તાએ કહ્યુ છે કે વિશ્વસનીય જાણકારીના આધારે પોલીસ અને અન્ય સુરક્ષાદળોની એક સંયુક્ત ટુકડીએ કુલગામ જિલ્લાના યારીપોરા વિસ્તારમાં એક મકાનમાં આતંકી ઠેકાણાની જાણકારી મેળવી અને અહીંથી ગ્રેનેડ સહીતના વિસ્ફોટકો અને હથિયારો જપ્ત કર્યા છે.
તેમણે જણાવ્યું છે કે યારીપોરાના વતની મોહમ્મદ અય્યૂબ રાઠેરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ વિભાગના પ્રવક્તાનું કહેવું છે કે પોલીસે આના સંદર્ભે મામલો દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.
મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલા બાદથી સુરક્ષાદળોએ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીની તીવ્રતામાં વધારો કર્યો છે. આ પહેલા માર્ચના પ્રથમ સપ્તાહમાં સુરક્ષાદળોએ કુંગનૂ ગામના એક આતંકી ઠેકાણાનો ભંડાફોડ કર્યો હતો. અહીંથી પણ ગુનો સાબિત કરનારી સામગ્રી મોટા પ્રમાણમાં જપ્ત કરવામાં આવી હતી.