મોટરકારમાં આગળની સીટ પર મુસાફરો માટે ડબલ એરબેગ ફરજિયાત
નવી દિલ્હી: દેશમાં ઉત્પાદીત થનારી કારના તમામ નવા મોડેલોમાં ફ્રન્ટ સીટ પેસેન્જર માટે પણ એરબેગ ફરજીયાતનો નિયમ લાગુ કરવામાં આવશે. હાલ ડ્રાઈવર સીટ માટે એરબેગની જોગવાઈ છે જે હવે તેની બાજુની સીટ પર બેસતા મુસાફરને પણ આ સુવિધા આપવાનું ફરજીયાત બનાવાયું છે. તા.1 એપ્રિલથી ઉત્પાદીત થતા નવા મોડેલમાં આ જોગવાઈ અમલી બનશે જયારે હાલના જે મોડેલ છે તેમાં 31 ઓગષ્ટ સુધીની છૂટછાટ અપાઈ છે અને 1 સપ્ટેમ્બર 2021થી હાલના મોડેલમાં પણ ફ્રન્ટ સીટ એરબેગનો નિયમ લાગુ થઈ જશે.
કેન્દ્રના માર્ગ વ્યવહાર મંત્રાલય દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રોડ સેફટી બાબતની સર્વોચ્ચ અદાલતની કમીટીએ આ પ્રકારે ફ્રન્ટ સીટ એરબેગનો નિયમ અમલી બનાવવા માટે સૂચના આપી હતી. હાલમાં જ કેન્દ્રના વાહનવ્યવહાર બાબતોના મંત્રી નીતીન ગડકરીએ પણ દેશમાં દરેક પ્રકારની કારના મોડેલમાં આ પ્રકારની ફ્રન્ટ સીટ એરબેગનો નિયમ લાગુ કરવાની જાહેરાત કરી હતી.
અગાઉ 1 જુલાઈ 2019થી ડ્રાઈવર સીટ પર એરબેગ ફરજીયાતનો નિયમ લાગુ થયો જ છે પણ ફકત ડ્રાઈવીંગ કરનારા જ નહી આગળની બેઠક પર મુસાફરી કરનાર માટે પણ આ સલામતી જરૂરી હોવાનો રીપોર્ટ આવ્યો હતો જેથી હવે ફ્રન્ટ સીટના બન્ને મુસાફરોની સલામતી વધશે. નવા નિયમ લાગુ થતાં વાહનોની કિંમતમાં ઓછામાં ઓછા 5000-7000 રૂપિયાનો વધારો થશે. આ અગાઉ 29 ડિસેમ્બર 2020 ના રોજ સરકારે કહ્યું હતું કે, તેણે 1 એપ્રિલ 2021 થી નવા વાહનો માટે અને 1 જૂન 2021 થી જુના વાહનો માટે ડ્યુઅલ એરબેગ બનાવવાનો નિર્ણય લીધો છે.