અમદાવાદમાં એસ.ટી.વર્કશોપ 15 નવી બસોનું કરાયું નિર્માણ !
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ હવે ધીમે-ધીમે ઘટતા જનજીવન ફરીથી રાબેતા મુજબ થઈ રહ્યું છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા એસ.ટી નિગમના વર્કશોપમાં ફરીથી નવી બસોના નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. દોઢ મહિનાના સમયગાળામાં અહીં 15 જેટલી નવી બસો બનાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એસ.ટી. નિગમના નરોડા ખાતે આવેલા વર્કશોપમાં નવી બસોનું નિર્માણ કાર્ય દોઢેક વર્ષ બંધ રહ્યા બાદ છેલ્લા એક માસ કરતા વધુ સમયથી ફરી શરૂ કરવામાં આવ્યું છે. વર્કશોપમાં નવી બસો માટે ચેસીઝ આવવા બસોનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. એક માસ દરમિયાન નરોડા વર્કશોપ ખાતે અશોક લેલન અને ટાટાની 100થી વધુ ચેસીઝ આવી છે અને આ ચેસીઝ ઉપર હાલ બોડી અને સીટીંગ વ્યવસ્થા ફીટ કરી નવી બસો બનાવવામાં આવી રહી છે. 100 જેટલી ચેસીઝ પૈકી 15થી વધુ ચેસીઝ ઉપર નવી બસો બનીને સંપૂર્ણ તૈયાર થઇ જવા પામી છે. આ નવી બનેલી તૈયાર બસો હવે આર.ટી.ઓ. પાસીંગ માટે તૈયાર છે.
નરોડા વર્કશોપ ખાતે હવે ચેસીઝ પણ ઝડપથી અને દર મહિને 100થી વધુ આવશે આ સાથે નવી બસોના નિર્માણ કાર્યમાં પણ ઝડપ આવશે અને હવે દૈનિક 6થી વધુ નવી બસો બનાવવામાં આવશે. ચાલુ વર્ષ દરમિયાન નરોડા વર્કશોપ ખાતે 1000 જેટલી નવી બસોનું નિર્માણ થશે.