- ભારત અંતરીક્ષ ક્ષેત્રે વધુ એક સિદ્વિ નોંધાવવા જઇ રહ્યું છે
- ભારત 28 માર્ચના રોજ એક સેટેલાઇટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે
- આ સેટેલાઇટની મદદથી દુશ્મનોની દરેક ચાલ પર બાજ નજર રહેશે
નવી દિલ્હી: ભારત અંતરીક્ષ ક્ષેત્રે વધુ એક સિદ્વિ નોંધાવવા જઇ રહ્યું છે. ભારત 28 માર્ચના રોજ એક સેટેલાઇટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ સેટેલાઇટ ઘણી જ બાબતોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ સેટેલાઇટની મદદથી બોર્ડર વિસ્તારની તસવીરો મળી જશે. જેથી ન માત્ર દુશ્મનોની દરેક ચાલની ખબર પડી જશે પરંતુ સાથે જ વાતાવરણ સંબંધિત મુશ્કેલીઓને પણ મોનિટર કરી શકાશે. જીસેટ-1 આંધ્રપ્રદેશના નેલ્લોર જીલ્લામાં શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી GSLV-F10 દ્વારા લોન્ચ કરાશે.
આ અંગે ઇસરોના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે 28 માર્ચના રોજ આ જીયો ઇમેજિંગ ઉપગ્રહને પ્રક્ષેપિત કરવા ઇચ્છીએ છીએ. જો કે, તે વાતાવરણની સ્થિતિઓ પર નિર્ભર રહેશે. આ ઉપગ્રહ 36,000 કિલોમીટરની ઉંચાઇ ધરાવતી કક્ષામાં પ્રક્ષેપિત થશે. GSLV-F10 દ્વારા જીસેટ-1નું પ્રક્ષેપણ ટેકનિકલ ખામીઓ દ્વારા સ્થગિત કરવામાં આવ્યું છે.
અંતરિક્ષ વિભાગના એક અધિકારીએ કહ્યું કે, ‘આ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યું છે.’ તેમણે કહ્યું કે, ‘ઉચ્ચ સ્તરના કેમેરા સાથે, આ ઉપગ્રહથી ભારતીય જમીન અને મહાસાગર, વિશેષ તો તેની સરહદની પણ દેખરેખ રાખી શકાશે.’ આ કુદરતી આપદાઓ અને કોઈપણ વણજોઈતી ઘટનાઓની ત્વરીત દેખરેખમાં મદદ કરશે. ઈસરોએ કહ્યું કે જીસેટ-1નું વજન 2268 કિલોગ્રામ છે અને તે અદ્યતન અવલોકન સેટેલાઇટ છે.
ઈસરોએ 28 ફેબ્રુઆરીના રોજ પોતાના કોમર્શિયલ યુનિટ ‘ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ’ (એનસિલ)ના પહેલા સમર્પિત મિશન હેઠળ રવિવારે બ્રાઝીલના એમેઝોનિયા-1 અને અન્ય 18 ઉપગ્રહોનું PSLV-C51 દ્વારા શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી સફળ પ્રક્ષેપણ કર્યું હતું. આ 18 ઉપગ્રહમાંથી પાંચ ઉપગ્રહ તો વિદ્યાર્થીઓ દ્વારા જ નિર્મિત છે.
(સંકેત)