અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર મહિલાઓની સુરક્ષાને લઈને પોલીસનો એકશન પ્લાનઃ થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે
અમદાવાદઃ શહેરમાં ફરવા લાયક સાબરમતી રિવરફ્રન્ટ દરરોજ મોટી સંખ્યામાં શહેરીજનો આવે છે. દરમિયાન કેટલીક વાર યુવતીઓની છેટતીની ઘટના સામે આવે છે એટલું જ નહીં સાબરમતી નદીમાં આપઘાતના બનાવો પણ બને છે. આવા બનાવોને અટકાવવા અને ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા રિવરફ્રન્ટ ઉપર સુરક્ષાને લઈને થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ અહીં 250 જેટલા સીસીટીવી કેમેરા લગાવવાની સાથે સઘન પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતં કે, રિવરફ્રન્ટ ઉપર મહિલાઓની સલામતી માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નદીમાં સ્પીટ બોટથી સઘન પેટ્રોલીંગ કરવામાં આવશે. આ ઉપરાંત અહીં 250 જેટલા સીસીટીવી કેમેરા લગાવવાશે અને બંને તરફ 20 જેટલી પોલીસ ચોકીઓ ઉભી કરાશે. તમામ કેમેરાનું મોનિટરિંગ રિવરફ્રન્ટ પરની જ પોલીસ ચોકીમાંથી થશે. શહેરીજનોમાં રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેથી મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે. 60 જેટલા પોલીસ વાહનો વધારવામાં આવશે. તેમજ 181 અભયમમાં પણ વાહનોનો વધારો કરવામાં આવશે.
ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, રિવર ફ્રન્ટના વોક વે પર 15 સ્કૂટર અને 2 ગોલ્ફ કાર્ટથી મહિલા પોલીસ 24 કલાક પેટ્રોલિંગ કરશે. 13 કિમીના રિવરફ્રન્ટ પર બંને બાજુ દર સવા કિમીના અંતરે 1 પોલીસ ચોકી રહેશે. તેમજ રિવરફ્રન્ટ પર યુવતી-મહિલાઓની છેડતીના બનાવો વધતા રાજ્ય સરકારે રિવરફ્રન્ટ પર થ્રી લેયર સુરક્ષાના ભાગરૂપે 13 કિમી લાંબા નદીપટમાં બંને બાજુ મળી 20 ચોકી બનાવશે.