- ભારતે પાડોશી દેશ પાકિસ્તાનને રસી આપવાનું નક્કી કરી વિશ્વ સમક્ષ એક મિસાલ રજૂ કરી
- મેડ ઇન ઇન્ડિયા રસીના 4.5 કરોડ ડોઝ પાકિસ્તાનને અપાશે
- પાકિસ્તાન ભારતીય રસીના સહારે કોરોના સામે જંગ લડશે
નવી દિલ્હી: પાકિસ્તાન ભલે ભારત વિરુદ્વ કાવતરા ઘડવાનું અને ષડયંત્ર રચવાના તેના નાપાક ઇરાદા વારંવાર દોહરાવતું હોય પરંતુ ભારતે એક પાડોશી દેશ તરીકે કોરોના સામેની જંગમાં તેની મદદ કરવાનો નિર્ણય કરીને સમગ્ર વિશ્વ સમક્ષ એક મિસાલ રજૂ કરી છે. પાકિસ્તાન ભારતીય રસીના સહારે કોરોના સામે જંગ લડશે. તેને આ રસી ઇન્ટરનેશનલ અલાયન્સ GAVI દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ડામાડોળ છે ત્યારે મેડ ઇન ઇન્ડિયા રસીના 4.5 કરોડ ડોઝ કોઇ વરદાનથી ઓછા નહીં હોય.
પાકિસ્તાનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાના સચિવ આમિર અશરફ ખ્વાજાએ જણાવ્યું કે, પાકિસ્તાનને ભારતમાં બનેલી કોરોના રસીનો ડોઝ આ મહિને મળશે. ખ્વાજાએ કહ્યું કે હાલ પાકિસ્તાનમાં ફ્રન્ટ લાઇન વર્કર અને વરિષ્ઠ નાગરિકોને રસી આપવામાં આવી રહી છે. નોંધનીય છે કે હાલ પાકિસ્તાન ચીન તરફથી મળેલી રસીનો ઉપયોગ કરી રહ્યું છે.
પાકિસ્તાનને ભારત નિર્મિત ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા (Oxford-AstraZeneca) કોરોના રસીના મફત ડોઝ આપવામાં આવશે. જે દેશની 20 ટકા વસ્તીને કવર કરશે. અત્રે જણાવવાનું કે ભારત 65 દેશોને કોવિડ-19 રસીની આપૂર્તિ કરી રહ્યું છે. જ્યારે અનેક દેશોએ અનુદાનના આધારે રસી મેળવી છે. અમારી સહયોગી વેબસાઈટ WION માં પ્રકાશિત અહેવાલ મુજબ અત્યાર સુધીમાં ભારતે પાકિસ્તાનને બાદ કરતા અફઘાનિસ્તાન, માલદીવ, નેપાળ, ભૂટાન, અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોને કોરોના રસી ઉપલબ્ધ કરાવી છે. જ્યાં ભારતીય રસીની મદદથી રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે.
પાકિસ્તાનને ગ્લોબલ અલાયન્સ ફોર વેક્સીન્સ એન્ડ ઈમ્યુનાઈઝેશન (Global Alliance for Vaccines and Immunisation-Gavi) દ્વારા ભારતમાં બનેલી રસી મળશે. વર્ષ 2000 માં સ્થાપિત આંતરરાષ્ટ્રીય સંસ્થા ગાવીનો હેતુ દુનિયાના ગરીબ દેશોને એવી બીમારીઓની રસી ઉપલબ્ધ કરાવવાનો છે જેમને રસી દ્વારા રોકી શકાય છે. કોરોના સામે જંગમાં ગરીબ દેશોની મદદ માટે આ હેઠળ જ રસી પહોંચાડવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર પહેલા જ કહી ચૂક્યું છે કે તમામ દેશોને રસી ઉપલબ્ધ કરાવવી જોઈએ જેથી કરીને આર્થિક સ્થિતિ મહામારીથી બચવામાં બાધા ન બને.
(સંકેત)