ગુજરાતમાં 3 વર્ષમાં GST ચોરી-કૌભાંડના 2848 કેસ નોંધાયાં: સૌથી વધારે કેસ દિલ્હીમાં આવ્યા સામે
દિલ્હીઃ દેશમાં 2017-18 થી જાન્યુઆરી 2021 સુધીના સમયગાળામાં જીએસટી ચોરી-કૌભાંડના 27000 કેસો પકડાયા છે. દેશમાં જીએસટી ચોરી-કૌભાંડના પ્રથમ પાંચ રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં 2848 જેટલા જીએસટી ચોરી-કૌભાંડના કેસ નોંધાયાં છે. જ્યારે સૌથી વધારે દિલ્હીમાં 3295, તામીલનાડૂમાં 3220 તથા મહારાષ્ટ્રમાં 3191 નોંધાયાં હતા.
કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા સંસદમાં જીએસટી ચોરી કૌભાંડનો આંકડાકીય રીપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્રણ વર્ષનાં સમયગાળામાં જીએસટી ચોરી-કૌભાંડના 27000 કેસો પકડાયા છે દિલ્હીમાં 3295, તામીલનાડૂમાં 3220 તથા મહારાષ્ટ્રમાં 3191, ગુજરાતમાં 2848 અને હરિયાણામાં 2400 કેસ નોંધાયાં છે.
રાજયનાં જીએસટી કમીશ્નરના જણાવ્યા અનુસાર બોગસ બીલીંગ તથા ઈનપુટ ટેકસ ક્રેડીટનાં ખોટા દાવા પેશ કરવાના કૌભાંડો પકડવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 9 નવેમ્બર 2020 થી 31 જાન્યુઆરી 2021 ના સમય ગાળામાં દેશભરમાંથી 20124 કરોડના કૌભાંડ પકડાયા હતા. જેમાં 282 લોકોની ધરપકડ કરીને 857.75 કરોડની રિકવરી કરવામાં આવી હતી.ગુજરાતમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 2500 કરોડની ટેકસ ચોરી સાથેના 18000 કરોડના બોગસ બીલીંગ કૌભાંડ પકડયા છે.