નગરપાલિકા અને પંચાયતના હોદ્દેદારોની પસંદગી માટે મળશે BJPની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક
અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. જેથી ભાજપ દ્વારા અમદાવાદ સહિત છ શહેરના મેયર, ડે.મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની નિમણુંક કરી છે. હવે આગામી દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. આ માટે આગામી ત્રણેક દિવસમાં ફરીથી ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં અમદાવાદ સહિત છ કોર્પોરેસનના ભાજપના મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના પ્રમુખ, દંડ અને પક્ષના નેતાઓના નામની ચર્ચા કરાઈ હતી. અંતે અમદાવાદ સહિતના શહેરોમાં મેયર, ડે.મેયર સહિતના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. આવી જ રીતે જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવશે. આગામી બે-ત્રણ દિવસમાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. જેમાં ચર્ચા કરી અલગ-અલગ નામો ઉપર અભ્યાસ કર્યાં બાદ તમામ વર્ગના આગેવાનોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તેવી રીતે નિયુક્તિ કરવામાં આવશે.
ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશની ચૂંટણી યોજાઈ હતી. આ ઉપરાંત 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી હતી. હવે ભાજપ દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવશે.