કોરોના વચ્ચે લોકોનું બેદરકારી અને લાપરવાહીભર્યુ વલણ ચિંતાજનકઃ હાઈકોર્ટ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, કોરોના સંદર્ભે લોકોનું બેદરકારી અને લાપરવાહીભર્યુ વલણ ચિંતાજનક છે. જેના લીધે રાજ્ય સરકારે ફરી એકવાર લૉકડાઉન કરવું ન પડે તે માટે માસ્ક પહેરવા સહિતના કડક કાયદાઓનું પાલન લોકો પાસે કરાવવું જોઈએ. તેમજ લગ્નપ્રસંગ કે મેળાવડાઓમાં રાજ્ય સરકારે જે ગાઇડ લાઇન બનાવી છે. તે પ્રમાણે જ લોકોની સંખ્યા રાખવામાં આવે.
રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને જસ્ટીસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે તાકીદ કરી હતી કે, રાજયમાં કોરોનાને લઇને ફરીથી સ્થિતિ વણસી શકે છે. આ સ્થિતિનો સામનો કરવા માટે રાજ્ય સરકાર પૂરતી તૈયારી સાથે સજજ રહે. ગરીબ લોકો રોગની સારવાર માટે સરકારી હોસ્પિટલમાં આવતા હોય છે. ત્યારે આ સંજોગોમાં સરકારી હોસ્પિટલમાં સરકારી હોસ્પિટલમાં અપૂરતા ડોકટર્સ, પેરામિડકલ સ્ટાફ, દવાઓનો અપૂરતો જથ્થો, મેડિકલ સાધનો કે અન્ય માળખાકીય સુવિધાના અભાવે ગરીબો હેરાન થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. રાજયની સરકારી હોસ્પિટલમાં આ અંગે હાલ શું સ્થિતિ છે. તેનો જવાબ 9 એપ્રિલે રજૂ કરવામાં આવે. આમ રાજ્ય માં ફરી કોરોના વકરવાની સ્થિતિ વચ્ચે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી પગલાં ભરવા સરકાર ની તાકીદ કરતા ફરી એકવાર માસ્ક અભિયાન ના ભણકારા વાગી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ ફરીથી વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ રાજ્યની સરહદ ઉપર ચેકપોસ્ટ ઉભી કરીને બહારથી આવતા લોકોનું ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.