વડોદરામાં સુરસાગર તળાવ વચ્ચે સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સોનાથી મઢાશે
અમદાવાદઃ મહાશિવરાત્રીના શુભ દિવસે વડોદરામાં ઐતિહાસિક સુરસાગર તળાવની વચ્ચે ભગવાન સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સોનાથી મઢવાની કામગીરીનો શુભ આરંભ કરવામાં આવ્યો છે. વર્ષ 2022માં મહાશિવરાત્રી પહેલા સર્વેશ્વર મહાદેવની પ્રતિમા સોનાથી મઢવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ કામગીરીમાં લગભગ 8 કરોડથી વધુની કિંમતના સોનાનો ઉપયોગ કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના ઐતિહાસિક સૂરસાગર તળાવની વચ્ચે ભગવાન સર્વેશ્વર મહાદેવજીની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમા જ વડોદરા શહેરની મુખ્ય ઓળખ હોવાનું મનાય છે. દરમિયાન સર્વેશ્વર મહાદેવજીની 111 ફૂટની વિશાળ મૂર્તિને સોનાનો વરખ ચડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આજે શિવરાત્રીના પાવન પર્વેએ આ કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં 8 કરોડથી વધારેની કિંમતના સોનાનો ઉપયોગ કરાશે. સોનાના વરખના 4 બાય 6ના 2.40 લાખ ટુકડા તૈયાર કરવામાં આવશે.
સર્વેશ્વર મહાદેવજીની પ્રતિમાને સોનાથી મઢવાની કામગીરી ઓડિશાના કારીગરો કરી રહ્યાં છે. આ કલાકારોએ અંબાજી, શિરડી, વડતાલ, જૂનાગઢ, ધોલેરાના સ્વામિનારાયણ મંદિરોને સોનાના વરખથી મઢી ચુક્યા છે. મૂર્તિને પહેલા તાંબાનું કામ કરવામાં આવશે ત્યાર બાદ સોનાથી મઢવામાં આવશે. ભગવાનની 111 ફુટની મૂર્તિ ઉપર તાંબાની કામગીરીમાં 6 મહિના અને સોનુ મઢવાની કામગીરી ચાર મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આગામી શિવરાત્રી સુધીમાં મૂર્તિને સોનાથી મઢી નાખવામાં આવશે.