- દિલ્હી કુંડલી બોર્ડર પર 107 દિવસથી ચાલી રહ્યું છે કૃષિ આંદોલન
- આ સ્થિતિ વચ્ચે હવે આંદોલનકારીઓને ગરમીની અસર થઇ રહી છે
- ગરમીથી બચવા માટે ખેડૂતોએ રેનબસેરાનું કામ શરૂ કર્યું
નવી દિલ્હી: દિલ્હીની કુંડલી બોર્ડર પર કૃષિ કાયદા વિરુદ્વ ખેડૂત આંદોલનને 107 દિવસ વિતી ચૂક્યા છે. આ સ્થિતિ વચ્ચે હવે આંદોલનકારીઓને ગરમીની અસર થઇ રહી છે ત્યારે આંદોલનકારીઓએ ધરણા સ્થળે પાકા ચણતરનું કામ શરૂ કર્યું છે જેથી છાંયો મળી રહે.
આ માટે પંજાબથી મોટા પ્રમાણમાં ચણતર માટેનો માલ સામાન લાવવામાં આવી રહ્યો છે. છત માટે પરાળીનો ઉપયોગ કરવામાં આવશે જેથી અંદર ઠંડી જળવાઇ રહે. કુંડલી બોર્ડર પર આંદોલનકારીઓ માટે એક પ્રકારના રેન બસૈરા તૈયાર કરવામાં આવી રહ્યા છે. સાથે ડોનેશનમાં કે એનજીઓ દ્વારા મળેલા કુલરનો પણ ઉપયોગ કરવામાં આવશે.
આ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોના નેતાઓ ચીમકી આપી છે કે આ કૃષિ કાયદાથી જેટલુ નુકસાન થયું છે તેની ભરપાઇ પણ અમે અહીંથી જ કરીને જઇશું. બીજી તરફ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ખેડૂતોના આ આંદોલનને કારણે જે વિસ્તારોના રોડ રસ્તાને બંધ કરવા પડયા છે ત્યાં આસપાસના લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
જોકે ખેડૂતો આસપાસના ફેક્ટરી વગેરે માટે કેટલાક રસ્તા ખોલી રહ્યા છે. આ પહેલા સિંઘુ બોર્ડર પર કેટલાક શખ્સો દ્વારા ખેડૂતોને હટાવવા માટે ટોળા એકઠા કરાયા હતા, જે દરમિયાન બન્ને વચ્ચે સામસામે મારપીટ થઇ હતી. ખેડૂતો પર પથ્થરમારો પણ થયો હતો. દરમિયાન કેટલાક પોલીસકર્મી ઘવાયા હતા. આ સ્થિતિ વચ્ચે હવે અન્ય સરહદોએ પણ આવી સ્થિતિ ઉભી થવાની ભીતિ છે.
બીજી તરફ સંયુક્ત કિસાન મોરચા દ્વારા જારી એક નિવેદન દ્વારા પશ્ચિમ બંગાળના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તે કેન્દ્રમાં સત્તાધારી ભાજપ પક્ષને ચૂંટણીમાં મત ન આપે કેમ કે તેની સરકાર દ્વારા કૃષિ કાયદા લાવવામાં આવ્યા છે. જો ચૂંટણીમાં ભાજપની હાર થશે તો તેનાથી કેન્દ્ર સરકાર પર કૃષિ કાયદાને પરત લેવા માટે દબાણ વધશે.
(સંકેત)