ગુજરાતમાં એપ્રિલ-મેમાં પડશે કાળઝાળ ગરમીઃ તાપમાનનો પારો 45 ડિગ્રી પહોંચવાની શકયતા
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાનો આરંભ થઈ ચુક્યો છે અને બપોરના સમયે કાળઝાળ ગરમી પડે છે. જેથી બપોરના સમયે લોકો કામ વગર બહાર જવાનું ટાળે છે. જો કે, માર્ચના અંતમાં તથા એપ્રિલ-મેમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શકયતા છે. જેથી ગુજરાતની જનતાએ ઉનાળાની કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. અત્યારે લોકો મિશ્ર ઋતુનો અહેસાસ કરી રહ્યાં છે.
હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઉત્તરપૂર્વનો પવન ફૂંકાઇ રહ્યો હોવાથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. અત્યારે 35 થી 37 ડીગ્રીનું તાપમાન છે તે માર્ચના અંત સુધીમાં વધીને 40 થી 42 થવાની સંભાવના છે. 19 થી 23 માર્ચ દરમ્યાન કેટલીક જગ્યાએ હવામાનમાં ફેરફારો સાથે માવઠું થવાની શક્યતા પણ રહેલી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. જો કે, 26મી માર્ચ પછી હવામાનમાં પલટો આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીમાં વધારો અને ઘટાડો થશે પરંતુ એપ્રિલ અને મે મહિનામાં ગરમી વધવાની શક્યતા છે. હવામાન સંસ્થાએ આગાહી કરી છે કે માર્ચના અંત પછી ગરમીનું પ્રમાણ 40 થી 44 અને કેટલીક જગ્યાએ 45 ડીગ્રી સુધી પહોંચી શકે છે.