ઈંગ્લેન્ડ સામે વન-ડે સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત
દિલ્હીઃ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસ આવી છે. આ દરમિયાન ટેસ્ટ સિરીઝ, ટી-20 અને વન ડે સિરીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેસ્ટ સિરીઝમાં ભારતનો ઈંગ્લેન્ડ સામે 2-1થી વિજય થયો હતો. જ્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 ટી-20 મેચ રમાઈ છે. જેમાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમ 2-2 મેચ જીતી છે. આવતીકાલે અંતિમ અને ફાઈનલ ટી-20 મેચ રમાશે. દરમિયાન વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં સૂર્યકુમાર યાદવ, કૃણાલ પંડ્યા અને પ્રસિદ્ધ કૃષ્ણાને સ્થાન મળ્યું છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 વન-ડે મેચની સિરિઝ રમાશે. આ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવ્યાં છે. વનડે ટીમમાં ઈશાન કિશનને તક આપવામાં આવી નથી. આ સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં કેટલાક નવા ચહેરાઓને સામેલ થવાની આશા રાખવામાં આવતી હતી અને તેમાં કૃણાલ પંડ્યા અને પ્રસિદ્ધ કૃષ્ણાના નામ સૌથી ઉપર છે. સ્પિન ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા અને યુવા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ વનડે સિરીઝ માટે ઇન્ડિયન સ્ક્વોડમાં જગ્યા મળી છે. ભારતીય ટીમમાં વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, વોશિંગટન સુંદર, ટી. નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરીઝ રમાઈ રહી છે. આવતીકાલે પાંચમી અને ફાઈનલ ટી-20 મેચ રમાશે.