સામિયા સુલુહુ હસન તંઝાનિયાની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની
- સામિયા સુલુહુ હસને રાષ્ટ્રપતિ તરીકે લીધા શપથ
- તંઝાનિયાની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે શપથ
- રાષ્ટ્રપતિના નિધન બાદ તેમણે આ પદ સંભાળ્યું
દિલ્લી: સામિયા સુલુહુ હસને શુક્રવારે તંઝાનિયાની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.પૂર્વ રાષ્ટ્રપતિ જોન મગુફુલીના નિધન બાદ તેમણે આ પદ સંભાળ્યું છે. 61 વર્ષીય સુલુહુએ કાળા ડ્રેસ અને લાલ સ્કાર્ફ પહેરીને દાર-એ-સલામમાં રાષ્ટ્રપતિ કાર્યાલયમાં પદના શપથ લીધા હતા. ત્યારબાદ તેમને સેના દ્વારા કેનન સેલ્યુટ આપવામાં આવી હતી.
શપથ ગ્રહણ દરમિયાન સુલુહુએ કહ્યું હતું કે, હું સામિયા સુલુહુ હસન, તંઝાનિયાના બંધારણનું પાલન અને તેનું રક્ષણ કરવાનું વચન આપું છું. ત્યારબાદ શપથ સમારોહમાં હાજર આગેવાનોએ તાળીઓના ગડગડાટથી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. બંધારણ મુજબ હસન મગુફુલીની બાકીની પાંચ વર્ષની મુદત પૂર્ણ કરશે,જે 2025 સુધીમાં સમાપ્ત થવાની છે. હસન હિંદ મહાસાગરમાં સ્થિત ઝાંઝીબાર આઇલેન્ડથી આવે છે.
સામિયા હસન છેલ્લા 20 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. તેમણે સ્થાનીય સરકારની વિવિધ જગ્યાઓથી રાષ્ટ્રીય વિધાનસભા સુધી જવાનો માર્ગ મોકળો કર્યો છે. શાસક સીસીએમ પાર્ટીમાંથી આવતા સામિયા હસન 2015 માં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડ્યા હતા. આ સમયગાળા દરમિયાન મગુફુલી દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તો,હસને ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબરમાં બંને નેતાઓ ફરીથી ચૂંટાયા હતા. જો કે,ગયા વર્ષે યોજાયેલી ચૂંટણીઓમાં બંને નેતાઓ પર ધાંધલનો આરોપ લાગ્યો હતો.
-દેવાંશી