ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર નહીં ટુંકાવાયઃ DyCM નીતિન પટેલ
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન કેટલાક રાજકીય આગેવાનો કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ વિધાનસભાનું બજેટ સત્ર ટુંકવવામાં આવે તેવી અટકળો વહેતી થઈ હતી. જો કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અટકળો ઉપર પૂર્ણ વિરામ મુકતા જણાવ્યું હતું કે, સત્ર ટુંકાવવાની કોઈ વિચારણા નથી. હાલ કોરોનાની ગંભીર પરિસ્થિતિ નથી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, જે લોકોને કોરોના સંક્રમણ થાય તેઓ તબીબની સલાહ અનુસાર સારવાર કરાવે. આ વર્ષે ગત વર્ષ જેવી સ્થિતિ નથી. જેથી બજેટ સત્ર ટુંકાવવામાં નહીં આવે. કોરોના મહામારીમાં ફ્રન્ટલાઈન વોરિયર્સની જેમ કરતા અન્ય વ્યવસાયી જૂથના યુવા કર્મચારીઓને કોરોનાની રસી આપવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ મંજૂરી માંગવામાં આવી છે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ તેમને પણ રસી આપવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ગઈકાલે રવિવારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા 2.07 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. દરરોજ સરેરાશ બે લાખ કરતા વધારે લોકોને કોરોનાની રસી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 13.57 લાખ ફાળવવામાં આવ્યાં છે. આ ડોઝ રાજકોટ, વડોદરા અને ગાંધીનગરને ફાળવી દેવાયાં છે. હાલ રાજ્યમાં પ્રાથમિક લક્ષણોવાળા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવી સ્થિતિ નથી. રાજ્યની કોવિડ હોસ્પિટલમાં હાલ 70 ટકાથી વધારે બેડ ખાલી છે. બીજી તરફ કોરોના મહામારીને પગલે આરોગ્ય વિભાગ દ્વારા તમામ કામગીરી કરવામાં આવી છે.