ગોવાના મુખ્યપ્રધાન અને દેશના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરનું રવિવારે રાત્રે 63 વર્ષની વયે નિધન થયું હતું. પર્રિકરને એડવાન્સ્ડ પેન્ક્રિયાટિક કેન્સરની બીમારી હતી. આની જાણકારી ગત વર્ષ ફેબ્રુઆરી માસમાં થઈ હતી. બાદમાં તેમણે ગોવા, મુંબઈ, દિલ્હી અને ન્યૂયોર્કની હોસ્પિટલોમાં સારવાર કરાવી હતી. આજે મનોહર પર્રિકરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ભારત સરકારે આજે દેશમાં રાષ્ટ્રીય શોકનું એલાન કર્યું છે. રાષ્ટ્રીય શોક દરમિયાન સરકારી કાર્યાલયોમાં તિરંગો અડધી કાઠીએ ફરકાવાશે.
મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્દ્રીય સડક પરિવહન અને જળ સંસાધન પ્રધાન નીતિન ગડકરી ગોવા ખાતેના ભાજપ કાર્યાલય પહોંચ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ગોવા ખાતેના કાર્યાલયમાં મોટી સંખ્યામાં લોકો મનોહર પર્રિકરના અંતિમ દર્શન માટે પહોંચ્યા છે. મહત્વપૂર્ણ છે કે ભાજપ કાર્યાલયમાં થોડોક સમય પર્રિકરનો પાર્થિવ દેહ રાખ્યા બાદ તેને કલા અકાદમી ખાતે લાવવામાં આવશે.
પર્રિકરની અંતિમ યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ સિવાય ઘણાં અન્ય કેન્દ્રીય પ્રધાનો, રાજ્યોના મુખ્યપ્રધાનો પણ સામેલ થઈ રહ્યા છે.
ગોવા મુખ્યપ્રધાન કાર્યાલય મુજબ, પર્રિકરનો પાર્થિવ દેહ ભાજપ કાર્યાલય અને રાજ્યના કલા-સંસ્કૃતિ કેન્દ્રમાં સવારે અને બપોરે રાખવામાં આવશે. જેથી લોકો તેમના અંતિમ દર્શન કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી શકે. ગોવાના ખેલ પ્રાધિકરણના મેદન ખાતે પર્રિકરના સાંજે પાંચ વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારે દશ વાગ્યે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે રાષ્ટ્રીય શોક અને રાજકીય સમ્માન સાથે પર્રિકરની અંત્યેષ્ટિની ઘોષણા કરી છે.
રવિવારે મનોહર પર્રિકરના નિધન બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહીત દેશના મોટા નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જ સૌથી પહેલા ટ્વિટ કરીને પર્રિકરના નિધનની જાણકારી દેશને આપી હતી. રાષ્ટ્રપતિએ એક ટ્વિટમાં કહ્યુ હતુ કે ગોવાના મુખ્યપ્રધાન શ્રી મનોહર પર્રિકરના નિધનના સમાચાર સાંભળીને અત્યંત દુખી છું. જાહેરજીવનમાં ઈમાનદારી અને નિષ્ઠાના એક પ્રતીક તરીકે ગોવા અને ભારતના લોકો માટે તેમની સેવા ભૂલાય તેમ નથી.