હવે ટ્રેનમાં ધ્રૂમપાન કરતા લોકો વિરુદ્વ રેલવે કરશે આકરી કાર્યવાહી, થઇ શકે છે જેલ
- રેલવેમાં ધ્રૂમપાન કરતા મુસાફરો વિરુદ્વ હવે રેલવેની લાલ આંખ
- હવે ધ્રૂમપાન કરતા મુસાફરો વિરુદ્વ જેલ સહિતની આકરી કાર્યવાહી કરાશે
- રેલવેમાં સ્મોકિંગથી લાગતી આગ પર લગામ કસવા રેલવેએ આ નિર્ણય લીધો
નવી દિલ્હી: રેલવેમાં અનેકવાર મુસાફરો સ્મોકિંગ કરતા પકડાતા હોય છે ત્યારે રેલવેમાં હવે મુસાફરી દરમિયાન ધ્રૂમપાનની આદત મુસાફરોને ભારે પડી શકે છે. હકીકતમાં, ભારતીય રેલવેએ ટ્રેનમાં મુસાફરી દરમિયાન અથવા તો રેલવેને પરિસરમાં ધ્રૂમપાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે.
ધ્રૂમપાનને કારણે લાગતી આગની ઘટનાઓ પર અંકુશ માટે હવે રેલવે દ્વારા તૈયાર કરાયેલી યોજના અંતર્ગત જો કોઇ ટ્રેનમાં સ્મોકિંગ કરતા ઝડપાશે તો તેને જેલમાં મોકલી શકાશે. તે ઉપરાંત દંડ પણ ફટકારી શકાશે.
રેલવે એક્ટ પ્રમાણે ટ્રેનમાં ધ્રૂમપાન કરવું એ એક સજાપાત્ર ગુનો છે, પરંતુ હાલ તે માટે માત્ર 100 રૂપિયાના દંડા વસૂલાતની જ જોગવાઇ છે. દંડની રકમ ખૂબ નજીવી હોવાથી ધ્રૂમપાન પર નિયંત્રણ નથી આવી શકતું અને મુસાફરો બેફિકર થઇને ધ્રૂમપાન કરતા હોય છે. જો કે હવે રેલવેએ ધ્રૂમપાન કરનાર વિરુદ્વ જેલ સહિતની આકરી કાર્યવાહી કરવાની યોજના બનાવી લીધી છે.
નોંધનીય છે કે, તાજેતરમાં જ દહેરાદૂન શતાબ્દી એક્સપ્રેસ અને લખનૌ શતાબ્દી એક્સપ્રેસમાં આગની ઘટના સામે આવી હતી. આ આગની હોનારાત બાદ તેની પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું હતું કે મુસાફરે બાથરૂમમાં સ્મોકિંગ કર્યા બાદ સિગરેટને ડસ્ટબિનમાં ફેંકી હોવાથી કોચમાં આગ લાગી હતી.
(સંકેત)