- સર્ચ એન્જિનની જીમેઇલ સહિતની કેટલીક સેવાઓમાં આવી અડચણ
- કેટલાક યૂઝર્સની જીમેઇલ એપ સહિત ગૂગલ પિક્સલ એપ પણ થઇ ક્રેશ
- જીમેઇલ ઉપરાંત યાહૂ, ગૂગલ અને એમેઝોન એપના ઉપયોગમાં મુશ્કેલી આવી રહી છે
નવી દિલ્હી: સર્ચ એન્જિન ગૂગલની લોકપ્રિય ઇમેઇલ સેવા જીમેઇલ એપ સહિતની અન્ય કેટલીક સેવાઓમાં કેટલાક વિક્ષેપો અને અડચણો જોવા મળી હતી. આ કારણે જીમેઇલના અનેક યૂઝર્સને કામકાજમાં પણ ખલેલ પહોંચી હતી અને યૂઝર્સે સોશિયલ મીડિયાથી ફરિયાદો કરી હતી. કેટલાક યૂઝર્સના સ્માર્ટફોનમાં જીમેઇલ એપ ઉપરાંત ગૂગલ પિક્સલ તેમજ અમેઝોન જેવી એપ પણ ક્રેશ થઇ રહી છે.
ડાઉન ડિરેક્ટર અનુસાર હાલ એન્ડ્રોઇડ ડિવાઇઝ પર અનેક જીમેઇલ યૂઝર્સ આઉટેજનો અનુભવ કરી રહ્યા છે. હકીકતમાં, યૂઝર્સ જીમેઇલ એપ એક્સેસ નથી કરી શકતા. ડાઉન ડિરેક્ટર એ વેબ સેવાઓના ઓફલાઇન થવાની જાણકારી ભેગી કરવા સોશિયલ મીડિયા પર નજર રાખનારી એક સ્વતંત્ર સંસ્થા છે.
એક જીમેઇલ યૂઝરે ડાઉન ડિરેક્ટરના ફોરમ પેજ પર લખ્યું હતું કે, જીમેઇલ એપ ખોલીએ એટલે ક્રેશ થઇને તરત બંધ થઇ જાય છે. ફોન રિસ્ટાર્ટ કર્યોતો પણ સમસ્યાનું નિરાકરણ ના આવ્યું.
જીમેઇલ એપ ક્યાં કારણોસર ક્રેશ થઇ રહી છે તેને લઇને કોઇ ખુલાસો નથી થયો પરંતુ જીમેઇલ યૂઝર્સ જે રીતે ટ્વીટર પર ફરિયાદો કરી રહ્યા છે તે જોતા સમસ્યા મોટી હોવાનું જણાઇ રહ્યું છે. જીમેઇલ ઉપરાંત યાહૂ, ગૂગલ અને એમેઝોન એપના ઉપયોગમાં મુશ્કેલી આવી રહી છે.
(સંકેત)