ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સરખામણીમાં રિકવરી રેટમાં બે ટકાનો ઘટ્યો
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ તેજ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ રિકવરી રેટમાં લગભગ બે ટકા સુધીનો ઘટાડો થયો છે. હાલ ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ 95.60 ટકા જેટલો છે. અત્યાર સુધીમાં 2.77 લાખ દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં છે. 24 કલાકમાં ગુજરાતના કોરોનાના રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયાં હતા. હાલ હાલ 8318 એક્ટિવ કેસ હોવાનું જાણવા મળે છે.
ગુજરાતમાં કોરોનાના કેસ વધવાની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં પણ ગુજરાતનો રિકવરી રેટ ઓછો હોવાનું જાણવા મળે છે. બે લાખ કરતા વધુ કેસ ધરાવતા 18 રાજ્યો છે. જેમાં રિકવરી રેટમાં ગુજરાત 15માં ક્રમે છે. 30 દિવસમાં ગુજરાતનો રિકવરી રેટ 97.72 ટકાથી ઘટીને 95.73 ટકાએ આવી ગયો છે. સૌથી વધુ બિહારમાં 99.19 ટકા દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે સૌથી ઓછા પંજાબમાં માત્ર 88.38 ટકા દર્દીઓ સાજા થયા છે.
ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1730 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે 1255 જેટલા દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં હતા. બીજી તરફ કોરોના મહામારીમાં ચાર દર્દીઓના મોત થયાં હતા. હાલ 76 આરોપીઓ વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 8242 દર્દીઓની હાલત સુધારા ઉપર છે. કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થતા હરકતમાં આવેલા આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ બેડમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટેસ્ટીંગ પણ વધારવામાં આવ્યું છે. બીજી તરફ કોરોનાની રસીકરણ અભિયાનને વધારે ઝડપી બનાવવામાં આવ્યું છે.