1. Home
  2. ગુજરાતી
  3. મૃત્યુંજય , મૃત જીવાત્માનો અજેય રાગ ( ભાગ -૧)
મૃત્યુંજય , મૃત જીવાત્માનો અજેય રાગ ( ભાગ -૧)

મૃત્યુંજય , મૃત જીવાત્માનો અજેય રાગ ( ભાગ -૧)

0
Social Share

પુસ્તક પરિચય: ડૉ. શિરીષ કાશીકર

“જરા વિચાર કરો,હે સપ્તર્ષિ! આર્યાવર્તના મનુષ્યો પોતાના પાલનહાર અને રક્ષક સમા દેવોને ભૂલીને દાનવોને સર્વસ્વ માની બેસશે તો સંસાર પણ એમની માફક અણઘડ,અવ્યવસ્થિત અને અવિવેકી બની જશે.આર્યાવર્ત પર દાનવોનું શાસન એટલે મહાસંહારને સામે ચાલીને નિમંત્રણ!” ઇન્દ્રે પોતાની લાક્ષણિક શૈલીમાં છણાવટ કરી.”

***

‘ વિકાર!’ યજ્ઞવેદીમાંથી નીકળતી જ્વાળાસમાન દિતિનું તેજ વિકારની આંખોમાં સોંસરવું ઉતરી ગયું…. તગતગતી ત્વચા,ત્રિભુવનને નિયંત્રણમાં રાખવા સક્ષમ આત્મિક ઊર્જા અને ચહેરા પરની સૌમ્યતા દૈત્યજનનીને અલગ જ ઓપ આપતી હતી.દૈત્યરાજ કલીના રાજ્યાભિષેકના એક દિવસ પહેલા નિર્માણ પામી રહેલી શક્યતાઓથી માતાને અવગત કરાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ વિકાર પાસે શેષ નહોતો બચ્યો.

***

” જેના ચરણ સ્પર્શતી વિરાટ રત્નાકરની વિશાળ ભુજા,

દક્ષિણ સીમા સુધી વ્યાપ્ત છે;

એ જ નિરાંધર- નાગર પથ પર વહે છે,

જીવલિંગની શાશ્વત પરિભાષા.”

***

” દરવાજો ખોલતાવેંત શનેલ પરફ્યુમની સુગંધ વિવાનના નાકને ભીંજવીને આગળ વધી ગઈ.સફેદ પટિયાલા ડ્રેસ પહેરેલી અઠ્ઠાવીસ વર્ષની લાગતી એ સ્ત્રીના શરીરનો ઉભાર અત્યંત સોહામણો હતો. તીક્ષ્ણ પાણીદાર આંખો અને તેની અંદરની ભીનાશને નિતાંત સૌંદર્ય બક્ષતું કોલોસલ કાજળ, કમળની પાંખડી જેટલા સુંવાળા તથા સહેજ ઉપસેલા હોઠ,પવનની લહેરખીના સ્પર્શમાત્રથી ગુલાબી થઇ જાય એવા ગાલ તેના ચહેરાને અપ્સરા સમાન રૂપ અર્પણ કરતા હતા.”

***

” આ બાજુ જિમા ખીણના મકબરા પાસે પહોંચવા આવેલી ફૈઝા હજુ પણ માથું પકડીને કણસી રહી હતી.તેના હોઠ સતત કંઇક બબડી રહ્યા હતા.તેને સમજ નહોતી પડતી કે આલોક આખરે એ કમરા સુધી પહોંચી કેવી રીતે ગયો? બે દાયકાથી છૂપાવેલું રહસ્ય આજે ખૂલવાની તૈયારીમાં હતું.”

***

“વસીમ ખાનના સંસ્કૃત ઉચ્ચારણો સંત – મહંતોના પાંડિત્યને પણ ઝાંખા કહેવડાવે એટલા સ્પષ્ટ હતા. મંત્રોચ્ચાર પૂરા થાય ત્યાં સુધી સમગ્ર પૃથ્વી જાણે શ્વાસ રોકીને થંભી ગઈ હોય એવું લાગતું હતું. વાતાવરણમાં અજીબ શાંતિ પ્રસરી રહી હતી.જેમ જેમ મંત્રોચ્ચાર પુનરાવર્તન પામતા ગયા,એમ એમ વસીમ ખાનનો દેહ પણ અલૌકિક તેજ ધારણ કરી રહ્યો હતો.”

***

આટલા “સેમ્પલ” વાચીને જો તમારા મનમાં ઉત્સુકતા જાગી ગઈ હોય તો સમજી લેજો કે આખી નવલકથા તમને એક અવર્ણનીય અનુભવ કરાવશે જ. Parakh Bhatt અને રાજ જાવિયા લિખિત “મૃત્યુંજય, મૃત જીવાત્માનો અજેય રાગ” ( મહા – અસુર શ્રેણી, ભાગ -૧) ગુજરાતી રોમાંચક ( thriller you know) વાર્તાલેખનમાં નવી ભાત પાડતી અનેરી કથા છે.સતયુગ, ઇસવીસન ૪૭૦, આરબ ભૂમિ, ઇસવીસન ૧૦૨૬, સોમનાથ અને વર્તમાન સમય, રાજકોટના કાળખંડમાંથી પસાર થતી આ કથા તેના ઝડપી કથાવર્ણનને કારણે તમને જકડી રાખશે.

ચારથી પાંચ પાનાંના પ્રકરણો અને સતત બદલાતા જતા કાળપ્રવાહની સાથે લેખકો તમને એક અલગ વિશ્વમાં લઈ જાય છે.પૌરાણિક ભારત, આરબ ભૂમિ અને સોમનાથ, રાજકોટ માં આકાર લેતી, ફેલાતી આ કથા તેના મુખ્ય પાત્ર વિવાનની સાથે જીવન અને મૃત્યુના નવા નવા આયામો સર કરે છે.જો કે કથાનકમાં કેટલાક સ્થાને હિન્દી શબ્દોનો બિનજરૂરી ઉપયોગ ખુચે છે અને તમામ રસોને પોષતી આ વાર્તામાં શૃંગાર રસની થોડી કમી ખલે છે.આશા છે આગામી ભાગોમાં આ રસની પૂર્તિ પણ થઈ જશે.

આ પુસ્તક www.navbharatonline.com પર ઉપલબ્ધ છે. આ લેખક જોડી દ્વારા લખાઈ રહેલા શ્રેણીના બીજા ભાગની ઉત્સુકતાથી રાહ જોવાશે એ નક્કી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code